લોકોને પોતાના હકનું અનાજ લેવા માટે ધરમના ધક્કા
- ગ્રાહકો સવારથી જ બેસી રહે છે દુકાન પાસે
- દુકાનદાર રોજ બતાવી રહ્યો છે નવા નવા બહાના
- પુરવઠા અધિકારીએ આ પ્રશ્ન મામલે પહેલીવારમાં સરખો જવાબ ન આપ્યો
- અધિકારીનું કહેવું છે કે, અનાજ વિતરણ શરૂ થઇ ચૂક્યું છે છતા લોકો દુકાને ધક્કા ખાઇ રહ્યા છે
મોરબીઃ શહેરના મંગલભુવન ચોક નજીક આવેલી સસ્તા અનાજની દુકાને છેલ્લા 3 દિવસથી નાગરિકો પોતાના હકનું અનાજ લેવા માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. નાગરિકો વહેલી સવારથી દુકાન પાસે બેસે છે, છતાં પણ ટોકન આપવામાં આવતું નથી.
દુકાનેથી ગ્રાહકોને કોઈના કોઈ બહાને પરત મોકલી દેવામાં આવે છે, તેવો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે. આજે મંગળવારે સવારથી વિસીપરા અને મંગલભુવન વિસ્તારના લોકો અનાજ લેવા માટે પહોંચ્યા હતા, પંરતુ ઇન્ટરનેટ કનેક્શન ન હોવાથી લોકોને આજે પણ ધરમનો ધક્કો થયો હતો.
આ ઉપરાંત સસ્તા અનાજની દુકાને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. જ્યારે દુકાનદારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતાના નામે આ દુકાન છે અને નામ ટ્રાન્સફર કરાવવા માટે અરજી કરવામાં આવી છે. આજના દિવસે નામ ફેરફાર થઇ જશે અને બપોર સુધીમાં વિતરણ વ્યવસ્થા ચાલુ થઇ જશે. આ જવાબને લઇ ગ્રાહકો પણ મોડા આવ્યા હતા છતા પણ ગ્રાહકોને ધક્કો થયો હતો.
છેલ્લા 3 દિવસથી ગ્રાહકોની આ હાલતને લઇ પુરવઠા અધિકારીને પુછવામાં આવ્યું તો પહેલા તેમણે જણાવ્યું હતું કે, આ નાની વાતમાં ઇન્ટરવ્યુ ન લેવાના હોય, ત્યારબાદ માત્ર એટલું જ જણાવ્યું હતું કે, હાલમાં ઇન્ટરનેટનો કોઈ પ્રશ્ન નથી અને વિતરણ વ્યવસ્થા શરૂ થઇ ગઈ છે.
અંદાજે 500થી વધુ લોકો અનાજ માટે સસ્તા અનાજની દુકાને ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. આ બધી બાબતોમાં નબળા વર્ગના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અને અધિકારીને આ વાત નાની લાગી રહી છે.