- આજે દેશમાં ઉજવાઈ રહી છે કરવા ચૌથ
- સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે આ વ્રત
- અન્ન જળ ત્યાગ કરી સ્ત્રીઓ કરે છે ઉપવાસ
મહેસાણા: હિન્દુ ધર્મમાં વિધિ વિધાન પ્રમાણે અનેક ધાર્મિક વાર તહેવારનું આગવું મહત્વ રહેલું છે. ત્યારે આજે સંકટ ચતુર્થીના દિવસે આવેલા કરવા ચૌથના વ્રતનું પણ સૌભાગ્યવતી સ્ત્રીઓના જીવનમાં વિશેષ મહત્વ હોય છે. જેને લઈ આજે મોટી સંખ્યામાં સ્ત્રીઓ કરવા ચૌથનું વ્રત કરી ઐઠોર ગણપતિ દાદાના દર્શને આવી ધન્યતા અનુભવે છે.
ઐઠોર ગણપતિ દાદાના મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
પરિવારની સુખ સમૃદ્ધિ માટે પાવનકારી ગણપતિના દર્શન પૂજનનું ખૂબ મહત્વ રહેલું હોય છે. ત્યારે આજે સંકટ ચતુર્થીએ મહેસાણા જિલ્લામાં આવેલ પૌરાણિક ઐઠોર ગણપતિ દાદાના મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શને આવે છે. જોકે, આજે સંકટ ચૌથની સાથે સાથે કરવા ચૌથનું વ્રત હોવાથી આ મંદિરે વ્રત કરનાર સ્ત્રીઓ ખાસ કરીને રેણુધારી ડાબી સૂંઠના ગણેશજીના દર્શને આવી પોતાના પતિદેવના દીર્ઘ આયુ અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ માંગે છે.
સ્ત્રીઓ રાત્રે ચંદ્રની પૂજા કરી છોડે છે પોતાનો ઉપવાસ
આજે સ્ત્રીઓ કરવા ચૌથનું વ્રત કરી દિવસ દરમિયાન અન્ન જળનો ત્યાગ કરી રાત્રે ચંદ્ર દર્શન કરી પોતાના પતિદેવની પૂજા કરી ઉપવાસ છોડે છે. આમ આજે સૌભાગ્યશાળી સ્ત્રીના તપનું અને ગણેશજીના દર્શન પૂજનનું વિશેષ મહિમા અને મહત્વ રહેલું છે. જોકે, હાલમાં સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા આ વ્રતને સાર્થક માનતા પુરુષો પણ પોતાની જીવનસંગીનીના દીર્ઘઆયુ માટે કડવા ચોથનું વ્રત કરે છે.