મહેસાણા/મોઢેરા: CM વિજય રૂપાણીએ મોઢેરા સૂર્યમંદિર પરિસર નજીક ઉતરાર્ધ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. CMએ કહ્યું કે, પશ્ચિમ ભારતના આ મોઢેરા સૂર્યમંદિરના ઉત્તરાર્ધ ઉત્સવ જેમજ પૂર્વમાં કોર્ણાક સૂર્યમંદિરમાં ડાન્સ ફેસ્ટિવલ યોજાય છે. શક્તિ સ્વરૂપા આદ્યશકિતનો ઉત્સવ નવરાત્રિ ગુજરાતની વૈશ્વિક ઓળખ છે. બંગાળનો દુર્ગાપૂજા શક્તિ આરાધનાનો સમન્વયકારી ઉત્સવ છે. પોરબંદરના મોહનદાસ ગાંધીને મહાત્માનું બિરૂદ પણ બિહારના ચંપારણ્ય સત્યાગ્રહ અપાવેલું છે. દ્વારિકાના મોહનના અરુણાચલ પ્રદેશના રુકમણી વિવાહ પણ ઐતિહાસીક ધરોહરના ઉત્તમ ઉદાહરણ છે.
ગુર્જરધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, રાજવીવંશ તરફથી એક એકથી ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્યો, શિલ્પકલાના ઉત્કૃષ્ટ નજરાણાં મળ્યાં છે. મુનસર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલીંગ તળાવ, રૂદ્ર મહાલય જેવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો છે. સલ્તનત યુગમાં આપણને સરખેજ રોજા, જામા મસ્જિદ, ચાંપાનેરના અમૂલ્ય સ્થાપત્યો મળ્યાં અને સ્થળોએ ગુજરાતના ઈતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું છે.
આજથી સદીઓ પહેલા આજની જેવા કોઇ જ વૈજ્ઞાનિક સાધનો ન હોવા છતાં એ ટાંચા સાધનોના યુગમાં પણ અદભૂત ગણતરી અને ભૂમિતિક આયોજન સાથે કરાયેલી આ મંદિરની રચના ગુજરાતનો વારસો સૈકાઓ પહેલાં પણ કેવો સમૃદ્ધ હતો તેની પ્રતીતિ કરાવે છે. 12 મહિના મુજબ સૂર્યની 12 પ્રતિમા, 52 અઠવાડિયા પ્રમાણે 52 સ્તંભ, દિવસ પ્રમાણે 365 હાથી પર સભામંડપ અને 7 દિવસ મુજબ 7 ઘોડા સૂર્યનો રથ અને 8 પ્રહર પ્રમાણે સૂર્યની અષ્ટપ્રતિમા છે, અને આજે પણ લોકો આ ગણતરીને અનુસરે છે.
-
Glimpses of Uttarardh Mahotsav 2020 at Sun Temple, Modhera.@GujaratTourism pic.twitter.com/J4UdN2nnXI
— Vijay Rupani (@vijayrupanibjp) January 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Glimpses of Uttarardh Mahotsav 2020 at Sun Temple, Modhera.@GujaratTourism pic.twitter.com/J4UdN2nnXI
— Vijay Rupani (@vijayrupanibjp) January 21, 2020Glimpses of Uttarardh Mahotsav 2020 at Sun Temple, Modhera.@GujaratTourism pic.twitter.com/J4UdN2nnXI
— Vijay Rupani (@vijayrupanibjp) January 21, 2020
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ ઉત્તરાર્ધ ઉત્સવ એ મોઢેરાના સૂર્યમંદિરની ગરિમાને વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ છે. બે દિવસના આ ઐતિહાસિક સ્થળના સાન્નિધ્યમાં નૃત્યપ્રસ્તૃતિઓ અને ઐતિહાસિક ધરોહરનો સુભગ સમન્વય રચાશે. રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી 21 અને 22 જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાઇ રહ્યો છે. ઉત્તરાર્ધ ઉત્સવમાં મુખ્ય્રધાન વિજય રૂપાણીના હસ્તે મુંબઇના કલાગુરુ સુદ્યાજી ચંદ્રન (ભરતનાટ્યમ્), કલાગુરુ સુશ્રી ગ્રેસીસીંઘ (ઓડીસી), કલાગુરુ સુશ્રી વિનીતા શ્રીનંદન (મોહીનીઅટ્ટમ) અને આંધપ્રદેશના કલાગુરુ કે.વી.સત્યનારાયણ( કુચીપુડી બેલે)નું સાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે ભુવનેશ્વરના કલાગુરુ સુશ્રી મોહેંતી (ઓડીસી), અમદાવાદના કલાગુરુ શ્રી ભરત બારીયા, શ્રી અક્ષય પટેલ, શ્રી કુ.શીતલ બારોટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તરાર્ધ ઉત્સવના પ્રથમ દિવસે ગણેશવંદના, ભરતનાટ્યમ, ઓડીસી, કચીપુડી બેલે, મોહિનીઅટ્ટમ જેવા નૃત્યો કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રધાન ઇશ્વરભાઇ પટેલ, રમતગતમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ સી.વી.સોમ, ધારાસભ્યોઓ, મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ વડા મનિષસિંહ, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, મોઢેરા ગામના સરપંચ, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ જ્યોતિષ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને મહેસાણા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.