ગત્ સુનાવણીમાં ધોળકા વિધાનસભા ચૂંટણી દરમિયાન ઓબ્ઝર્વર રહેલા IAS અધિકારી વિનીતા બોહરા તરફથી એડવોકેટ હાઇકોર્ટમાં હાજર રહ્યાં હતા. તેમણે હાઇકોર્ટને વિનંતી કરી હતી કે, તેમની પાસે આ કેસ સંબંધિત પેપર્સ ન હોવાથી એમને એ પેપર્સ પુરા પાડવામાં આવે અને સમય ફાળવવામાં આવે. એવી જ રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી હાજર રહેલા નવા એડવોકેટ તરફથી પણ કેસના પેપર્સ અને દસ્તાવેજોને લઈને માંગ કરવામાં આવી હતી. આ બંને પક્ષ અને કેસ સંબંધિત સમગ્ર પેપર બુક પૂરી પાડવાના આદેશ કર્યો હતો..
અગાઉની સુનાવણીમાં ચૂંટણી પંચ તરફથી વકીલે પક્ષકાર ધવલ જાની અને વિનિતા બોહરા વિરુદ્ધ કાર્યવાહીના પગલાં લેવાં અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય સચિવને પરિપત્ર લખી જાણ કરી હોવાની દલીલ કરી હતી. જેની સામે હાઇકોર્ટે કહ્યું કે, અમે ચૂંટણીને આવો કોઈ સબમિશન કરવાની ફરજ પાડી ન હતી. ચૂંટણી પંચે આ અંગે હાઇકોર્ટમાં વધુમાં કહ્યું કે મત-ગણતરીની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે એ મામલે પરિપત્ર દેશના તમામ રાજ્યના મુખ્ય સચિવને મોકલી દીધા છે. તો ભુપેન્દ્ર ચુડાસમાની ઈલેક્શન પીટીશન મામલે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ચાલતી રિર્ટનિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની અને ભુમિકા શંકાસ્પદ લાગતા હાઈકોર્ટે ધવલ જાની વિરૂધ નોટીસ કાઢી છે. અગામી સુનાવણી દરમ્યાન પક્ષકાર તરીકે હજાર રહી તેમના પર લાગેલા આક્ષેપ મુદે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
આ કેસમાં છેલ્લી ત્રણ મુદ્દતથી રિર્ટનિંગ ચૂંટણી અધિકારી ધવલ જાનીએ જુબાની આપી હતી. જેમાં તેઓ હાઈકોર્ટ સમક્ષ યોગ્ય ખુલાસો ન કરી શકતા હાઈકોર્ટે તેમને પક્ષકાર બનાવી દીધા છે. ધોળકા વિધાનસભા બેઠક પર રિર્ટનિંગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાનીએ જુબાનીમાં કહ્યું હતું કે," 429 પોસ્ટલ બેલેટ મત ચૂટણી પંચના નિયમો વિરૂધ હોવાથી તેમને રદ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પરથી ભાજપના ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો 327 મત જેટલી પાતળી માર્જિનથી વિજય થયો હતો.
અરજદાર અશ્વિન રાઠોડનો આક્ષેપ છે કે, આચારસંહિતા લાગુ થયા બાદ ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિ રિર્ટનિંગ ઓફીસર બનવાપાત્ર હતા. તેમ છતાં તેમને ગેરકાયદેસર રીતે હટાવી ધવલ જાનીની નિમણૂક કરાઇ હતી. અશ્વિન રાઠોડનો બીજો આક્ષેપ છે કે, ચૂંટણી પંચના નિયમો પ્રમાણે પહેલાં પોસ્ટલ બેલેટની મતગણતરી કર્યા બાદ ઈવીએમની મત-ગણતરી થવી જોઇએ. પણ ધોળકા વિધાનસભા બેઠકમાં નિયમનો ભંગ કરવામાં આવ્યો છે.
આમ, અરજદાર અશ્વિન રાઠોડ સાથે વિધાનસભા ચૂંટણીમાં નિયમો તોડવામાં આવ્યા હોવાથી તેમણે હારનો સામનો કર્યો હોવાની રજૂઆત કોર્ટમાં કરી હતી. પણ યોગ્ય દસ્તાવેજો મળતા યોગ્ય સુનવાણી થઇ શકી નથી. ત્યારે કોર્ટે યોગ્ય લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું છે.