- 650 મીટર ફેલાયેલા 4 મીટર ઊંચા ટેકરા પર ચાલી રહ્યું સંશોધન
- માણસામાં મળેલા પ્રાચીન અવશેષોનું પરિક્ષણ કરવામાં આવશે
- ઈતિહાસના અન્ય પૂરાવા સાથે સરખાવી ચોક્કસ માહિતી મળશે
મહેસાણાઃ આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઉત્ખનન કામગીરીમાં પુરાતત્વ વિભાગને જમીનમાંથી એક ખંડિત મૂર્તિનું મસ્તક મળી આવ્યું છે. આ બૌદ્ધ કે જૈન મૂર્તિનું હોવાનું એક સામન્ય અનુમાન છે, પરંતુ આ મસ્તક કઈ મૂર્તિનું અને કેટલું પ્રાચીન છે. તે માટે પુરાતત્વ વિભાગ દ્વારા પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આને ઈતિહાસના અન્ય પુરાવા સાથે સરખાવી નક્કી કરવામાં આવશે ત્યારે ચોક્કસ માહિતી સામે આવશે. જોકે, હાલમાં આ મળી આવેલા મસ્તક કોઈ પ્રાચીન મૂર્તિનું હોવાનું માનવામાં આવે છે.
વિહાર ગામ પ્રાચીન ધરોહર હોવાના પુરાવા મળી આવ્યાં!
માણસા તાલુકાનું આ વિહાર ગામ પ્રાચીન ધરોહર હોવાનું ગામના એક જાગૃત એવા વૃદ્ધ નાગરિકે સરકારમાં રજૂઆત કરી હતી. આના આધારે કેન્દ્રિય પુરાતત્વ વિભાગની ટીમ વડનગરથી વિહાર ગામમાં પહોંચી સર્વે કર્યો હતો. આસપાસના મંદિરોમાં સ્થાપિત કરાયેલી વરાહ ભગવાન અને વિહરિયા હનુમાનની મૂર્તિઓ સોલંકીકાલિન હોવાની માહિતી સામે આવી હતી.
આગળ પણ વધુ અવશેષો મળે તેવી સંભાવના
ગામના વૃદ્ધના જણાવ્યા અનુસાર, બે ટેકરા હતા. તેમાં ખોદકામ શરૂ કરી સંશોધન કરતા કેટલાક પ્રાચીન બાંધકામવાળા સ્ટ્રક્ચર અને એક મસ્તક મળી આવ્યું છે. હાલના તબક્કે વિહાર ગામમાં બૌદ્ધ કે જૈન સહિતના કોઈ લોકો અહીં પહેલા વસવાટ કરતા હોવાનું અનુમાન લગાવાયું છે. જોકે, વિહાર એક પ્રાચીન ધરોહર જોવા મળતા કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા હાલમાં પૂરજોશમાં સાઈટનું ઉત્ખનન કામ હાથ ધરવામાં આવ્યું છે. આગળ જતા કેવા ચોંકાવનારા અવશેષો મળી આવે છે તે જોવું રહ્યું..!