જુનાગઢ: બંગલો, કપૂર કાળા અને મીઠી આ કોઈ વ્યક્તિ કે સ્થળના નામ નથી, આ નામથી ચોરવાડ પંથકને આજે પણ એક વિશેષ ઓળખ મળી છે. આ બધા નામો છે નાગરવેલના. અહીં અલગ-અલગ જાતના અને એકમાત્ર ચોરવાડ પંથકમાં થતી નાગરવેલની ખેતી આજે પાન થકી લીલીછમ જોવા મળી રહી છે.
લીલી નાઘેર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પરંપરાગત રીતે છેલ્લાં ઘણા વર્ષોથી નાગરવેલની ખેતી થઈ રહી છે. જેના થકી અહીંના સ્થાનિક ખેડૂતોને રોજગારીની સાથે સારી આવક પણ મળી રહી છે.
નાગરવેલની ખેતી થી ચોરવાડ પંથક લીલોછમ
પાછલા કેટલાંય વર્ષોથી જૂનાગઢના ચોરવાડ પંથકમાં નાગરવેલની ખેતી થઈ રહી છે, જેને કારણે લીલી નાઘેર તરીકે ઓળખાતો આ વિસ્તાર પાનની ખેતીથી લીલોછમ જોવા મળી રહ્યો છે. બંગલો કપૂરી કાળા અને મીઠી આ ચાર પ્રકારના નાગરવેલના પાનની ખેતી ચોરવાડ પંથકમાં પારંપરિક રીતે કરવામાં આવે છે.
ચોરવાડના પાનની માંગ ગુજરાતની સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ આટલી જ જોવા મળે છે. સામાન્ય રીતે બે થી અઢી વીઘામાં પાનની ખેતી થાય છે, જેને અગથીયા નામના ઝાડના મૂળમાં નાગરવેલને ઉગાડવામાં આવે છે, અને તેને અગથીયાના લાંબા વૃક્ષ ઉપર ચડાવવામાં આવતી હોય છે.
એક પાન એક રૂપિયાના દરે આજે પણ ખરીદાય છે
ચોરવાડના પાનની માંગ ગુજરાતની સાથે દેશના અલગ-અલગ રાજ્યોમાં પણ છે. આજે પણ પાનની કિંમત પ્રતિ એક પાનના એક રૂપિયાથી લઈને લગાવવામાં આવે છે. 2000 પાનનો એક કરંડીયો તૈયાર કરવામાં આવે છે, જે અહીંથી સ્થાનિક વેપારી અને ખેડૂતો દ્વારા તેમના વર્ષોથી ખરીદદાર એવા ગુજરાત અને અન્ય રાજ્યના પાનના વેપારીઓને ટ્રાન્સપોર્ટ મારફતે મોકલે છે.
એક કરંડિયામાં 2000 પાન રાખવામાં આવે છે. જેના ખેડૂતોને પ્રતિ એક દિવસના ઓછામાં ઓછા 2000 રૂપિયા સુધીનું વળતર પણ મળે છે. ચોરવાડ પંથકમાંથી આજે પણ પ્રતિ દિવસે સિઝનના સમયમાં 500 થી 600 ના ટોપલાઓ ટ્રાન્સપોર્ટ મારફતે વેપારીઓની જરૂરિયાતને અનુરૂપ મોકલવામાં આવે છે
પાનની ખેતીમાં રાખવું પડે છે સતત ધ્યાન
નાગરવેલના પાનની ખેતીમાં સતત ધ્યાન રાખવું પડે છે, સો ટકા મીઠા પાણીથી થતી આ ખેતી ખેડૂતો માટે સારા આર્થિક વળતર અપાવી રહી છે, પરંતુ તેમાં એટલીજ ચોકસાઈ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વેલનું વાવેતર કર્યા બાદ તેને સમયાંતરે મીઠું પાણી આપવું આટલું જ જરૂરી બને છે. વધુમાં ચોક્કસ સમયે પાનને ઉતારીને તેને યોગ્ય સમયે વેપારીઓ સુધી પણ પહોંચાડવા આટલા જ જરૂરી છે.
જો પાનને ઉતારવામાં બે-ચાર દિવસનો સમય આગળ પાછળ થાય તો પાન કાચા કે પાકા હોઈ શકે છે. કાચા પાનની જે રીતે કોઈ કિંમત નથી હોતી તે રીતે પાકેલા પાનની પણ કોઈ કિંમત હોતી નથી, જેથી નાગરવેલ પરથી પાનને ઉતારવા માટે એક ચોક્કસ સમય નિર્ધારિત હોય છે. આ સમય દરમિયાન મજૂરોની વ્યવસ્થા પણ આટલી જ મહત્વની બને છે, કેટલાંક કિસ્સામાં જો મજૂરો અપ્રાપ્ય થાય તો નાગરવેલ પરના પાન પાકી જાય જેની કોઈ કિંમત આવતી નથી, જેથી વેલને વાવવાથી લઈને પાન ઉતારવા સુધીના સમયમાં ખૂબ જ કાળજી અને સમયબધ્ધ રીતે ખેતી કરવી પડે છે.