મહિસાગર :જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, ખાનપુર, સંતરામપુર અને બાકોરના બજારોમાં હજારોની સંખ્યામાં પ્લાસ્ટિકના કપ અને થેલીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને ચાની કીટલી અને હોટલ માલિકો વાળા પ્લાસ્ટિકના કપનો અને થેલીઓનો ઉપયોગ વધુ પડતો કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં અમુક હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય વસ્તુઓના પેકિંગ અને પાર્સલ માટે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ ઉપરાંત ઠેર-ઠેર ચાની કીટલી વાળા ગરમ ગરમ ચા પ્લાસ્ટીકની કોથળીમાં ભરી સપ્લાય કરી રહ્યા છે. ખૂબ નબળી ગુણવત્તા વાળા પ્લાસ્ટિકના કપ અને થેલીઓમાં ચા પી રહ્યા હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે. આ પ્લાસ્ટિકની વસ્તુઓને લઇ લોકો તેમજ રખડતા ઢોરો માટે પણ નુકસાન કારક હોઈ શકે છે. પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી રોગો થવાની શક્યતા છે. પ્લાસ્ટિક નબળી ગુણવત્તા વાળા હોય અને ગરમ ચા પ્લાસ્ટિકની થેલીમાં લઈ જવાથી અથવા પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી લીવર, કિડની, કેન્સર,ઓછુ સાંભળવું, અને રોગ પ્રતિકારક શક્તિ ઘટવાથી રોગો થઈ શકે છે તેવું તબીબો દ્વારા જાણવા મળ્યું છે.
સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ તો કરવામાં આવ્યો છે. પરંતુ મહિસાગર જિલ્લામાં તેનું પાલન હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. પ્લાસ્ટિકના કપ અને થેલીઓનો ઉપયોગ કરતા હોય તેવા હોટલ માલિકો અને દુકાનદારોને ત્યાં રેડ પાડી કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માગ લોકો દ્વારા ઉઠી છે.