લુણાવાડાઃ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વસતા પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પરપ્રાંતિયોની મેડિકલ ચકાસણી કરી તેઓ માટે માસ્ક, પાણીની બોટલ અને ફૂડપેકેટ તેમજ નાના બાળકો માટે દૂધ બિસ્કિટ કેળાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના પરપ્રાંતિય પોતાના વતનથી કામધંધે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલા હતાં. હાલ સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોના વાઈરસની મહામારીનું સંક્રમણ અટકાવવા લોકડાઉન છે. ત્યારે જે પરપ્રાંતિય પોતાના વતન જવા ઇચ્છતા હોય તેવા પરપ્રાંતિયોને સરકારના દિશાનિર્દેશો અનુસાર પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે પ્રમાણે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વસતા પરપ્રાંતિઓને
તબક્કાવાર પોતાના વતન મોકલવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કામધંધે આવેલા ઉત્તરપ્રદેશના 152 સ્ત્રી પુરુષ તેમજ 25 બાળક સહિતના પરપ્રાંતિયોને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચકાસણી કરીને લુણાવાડા ડેપોમાંથી 5 બસોને લુણાવાડાથી દાહોદ રેલવે સ્ટેશન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પરપ્રાંતિયો માટે પ્રશાસન દ્વારા માસ્ક, પાણીની બોટલ અને ફૂડપેકેટ તેમજ નાના બાળકો માટે દૂધ બિસ્કિટ કેળાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પરપ્રાંતિયો દાહોદથી રેલ્વે મારફતે પોતાના વતન ઉત્તરપ્રદેશ પહોંચશે. પરપ્રાંતિઓએ લોકડાઉનના સમયમાં તેમને વતન પરત મોકલવાના સરકારના નિર્ણયને તેમજ સારી વ્યવસ્થા કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.