મહીસાગરઃ લુણાવાડા તાલુકાનું દલવાઈ ગામ આખુ શોકમાં ડૂબી ગયું છે. બે કમોતની ઘટનાને પગલે દલવાઈ ગામ હિબકે ચઢ્યું છે. પુત્રના હૃદયરોગના હુમલામાં અવસાન થવાના સમાચાર સાંભળીને માતાએ પણ દેહ ત્યાગી દીધો હતો. દલવાઈ ગામે એક સાથે બે નનામિ નીકળતા જ માત્ર ગામ જ નહિ પરંતુ સમગ્ર પંથક શોકગ્રસ્ત બની ગયો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ મહીસાગરના લુણાવાડા તાલુકાના દલવાઈ ગામે 56 વર્ષિય અશ્વિન પટેલનું હાર્ટ એેટેકથી મૃત્યુ થયું હતું. પુત્રના કમોતના સમાચાર સાંભળીને માતાને સખત આઘાત લાગ્યો હતો. તેમનું હૃદય પણ બંધ પડી ગયું અને માત્ર 5 મિનિટમાં અશ્વિન પટેલની માતાએ પણ દેહ ત્યાગ કરી દીધો હતો. પહેલા પુત્ર અને ત્યારબાદ માતાના કમોતથી પરિવાર, સમાજ જ નહિ પરંતુ સમગ્ર પંથક શોકગ્રસ્ત બની ગયો હતો. એક જ ગામના એક જ ઘરમાંથી બે નનામિ નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામ્યજનો માતા-પુત્રને અંતિમ વિદાય આપવા સ્મશાનયાત્રામાં જોડાયા હતા.
હાર્ટ એટેકના વધી રહેલા કિસ્સાઃ વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામવાના કિસ્સા વધી રહ્યા છે. માત્ર મોટી ઉંમરના જ નહિ પરંતુ નાની ઉંમરના યુવાનો અને કેટલાક કિસ્સાઓમાં તરુણોનું મૃત્યુ પણ હાર્ટ એટેકથી થયું હોવાના સમાચારો અવારનવાર સામે આવતા રહે છે. સરકાર અને આરોગ્ય વિભાગ આ દિશામાં સંશોધન કરીને યોગ્ય માર્ગદર્શિકા બહાર પાડે તેમજ કોઈ દવા શોધાય તે દિશામાં કાર્ય કરે તેવી લોકમાંગણી ઉઠી રહી છે.