- કૃષિ રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમારે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો
- કડાણાના ગ્રામ્ય વિસ્તારના 1488 ખેતીવિષયક વીજ કનેકશનોને દિવસે વીજળી મળશે
- ખેડૂતો આ યોજનાથી ખુશ
લુણાવાડાઃ ખેડુતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક ‘કિસાન સૂર્યોદય યોજના’ના બીજા ચરણમાં કડાણા તાલુકાની એકલવ્ય મોડેલ સ્કૂલ, દિવડા કોલોની ખાતેથી કૃષિ રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના 44 ગામોમાં આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 1488 ખેતીવિષયક વીજ કનેકશનોને દિવસે વીજળી મળતી થશે. જેથી આ ગામોના ખેડૂતોમાં આંનદ વ્યાપ્યો છે.
ખેડુતોની અનેક સમસ્યાઓ થશે દુર
આ પ્રસંગે પ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, છેલ્લાં 20 વર્ષમાં ખેડુતો આર્થિક રીતે પગભર બને એવા આશયથી રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. દિવસે વીજળી અને રાત્રે આરામની વિભાવનાને સાકારિત કરવા માટે રાજય સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. ખેડુતો રાત્રે હેરાન ન થાય અને દિવસે જ પાકને પાણી આપી શકે એવા હેતુથી વર્ષ 2022 સુધીમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે એમ પરમારે ઉમેર્યું હતું.
24 કલાક વીજળી આપતી જ્યોતિગ્રામ યોજના પછીની ઐતિહાસિક એવી કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોની વર્ષો જૂની માંગ પૂર્ણ થઈ છે. ખેડુતોને હવે દિવસે વીજળી મળતા રાતના ઉજાગરા, વન્ય પ્રાણીના હુમલા અને ઝેરી જીવજંતુઓ કરડવાનો ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે. આ યોજના માટે રાજયમાં 3500 કરોડના ખર્ચે-66 કેવીની 3490 સર્કિટ અને 220 કેવીના નવ જેટલા નવા સબ સ્ટેશનો બનશે.
આ પ્રસંગે ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું કે, જગતના તાતને હવે દિવસે વીજળી મળવાથી સુરક્ષા અને સુવિધા મળતાં ખેતીના વિકાસને વેગ મળશે. પહેલા જેવા કઠિન દિવસો હવે ખેડુતોએ નહી જોવા પડે. પરિવારને રાત્રે પાકની સિંચાઈ માટે ખેતરે જતાં સ્વજન ખેડુતની હંમેશા ચિંતા રહેતી, જેનું હવે કાયમી માટે નિરાકરણ થયું છે.
કુલ 13.5 કરોડના ખર્ચે વિદ્યુત ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ
મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઇજનેર આર. ડી. ચંદેલે સ્વાગત પ્રવચન કરી કડાણા તાલુકામાં નવી માળખાકીય સુવિધાઓમાં વર્ષ 2017/18 માં માલવણ અને ડિટવાસ ગામે 66 કેવી સબ સ્ટેશને રૂ 8.5કરોડના ખર્ચે તૈયાર કરી કાર્યરત કરવામાં આવેલા છે. અને હાલમાં કાજળી ગામે ૬૬ કેવી સબ સ્ટેશન રૂ.5 કરોડના ખર્ચે બાંધકામ પ્રગતિમાં છે. કડાણા તાલુકામાં પૂરતા પ્રમાણમાં અને નિરંતર વીજ પ્રવાહ મળી રહે તે હેતુથી કુલ 02 નવા 66 કેવી સબ સ્ટેશન રૂ. 8.5 કરોડના ખર્ચે ઉભા કરવામાં આવેલી છે. આમ કુલ 13.5 કરોડના ખર્ચે વિદ્યુત ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
જિલ્લાના પદાધિકારીઓ અને કિસાન અગ્રણીઓ તેમજ ખેડુતો ઉપસ્થિત
આ પ્રસંગે જિલ્લા કલેકટર આર.બી બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ વડા આર. પી. બારોટ, નાયબ ઈજનેર આર.બી.માલીવાડ તથા જિલ્લા તાલુકાના પદાધિકારીઓ અધિકારીઓ અને કિસાન અગ્રણીઓ તેમજ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.