મહીસાગરઃ જિલ્લામાં કોરોના મહાસંકટ વચ્ચે કોરોનાને નિયંત્રણમાં રાખવા તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં મંગળવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના (કોવિડ-19) ના કુલ 142 પોઝિટિવ કેસ નોંધાયા છે.
- મહીસાગરમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા
- જિલ્લામાં કોરોના વાઇરસના કુલ 142 કેસ અને 126 દર્દીઓ સ્વસ્થ
- કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સતર્ક
જિલ્લાના લુણાવાડામાં એક પુરુષ, બાલાસિનોરમાં એક પુરુષ અને એક સ્ત્રી, તેમજ વિરપુર તાલુકાના દંતાલા ગામના એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ જિલ્લામાં 04 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 142માંથી 126 દર્દીઓ સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયાં છે. જ્યારે અન્ય કારણે એક દર્દીનું મોત થતાં જિલ્લામાં કુલ 03 મૃત્યુ નોંધાયા છે.
જિલ્લામાં અત્યાર સુધી સિઝનલ ફ્લુ/કોરોનાના કુલ 3816 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 232 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યાં હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 02 દર્દી કરમસદ મેડીકલ કોલેજ-આણંદ ખાતે, 1 દર્દી આમેના ખાતુન હોસ્પિટલ- અમદાવાદ, 1 દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, 1 દર્દી ટ્રી કલર હોસ્પિટલ-વડોદરા ખાતે અને 08 દર્દીઓ કે.એસ.પી.હોસ્પિટલ- બાલાસિનોર ખાતે સારવાર હેઠળ છે.