કચ્છ: જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બે દિવસ બાદ કચ્છામાં ભારે વરસાદની શકયતા ઓછી થઈ જશે અને મધ્યમ વરસાદ જારી રહેશે. ભુજ હવામાન કચેરીના અધિકારી રાકેશ કુમારે ETV ભારતને જણાવ્યું હતું કે, વરસાદની જે સિસ્ટમ તૈયારી થઈ છે તે હજી 2 દિવસ સક્રિય રહેશે. જેથી આગામી 2 દિવસ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્મટ રાજસ્થાન નોર્થ તરફ આગળ વધી રહી છે. સિસ્ટમ થોડી આગળ વધી ગયા પછી ભારે વરસાદની શકયતા ઓછી થશે પરંતુ જિલ્લામાં અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ ચાલુ રહેશે. સામાન્ય રીતે 10 કિમીના પવનની ઝડપ રહેવાની શકયતા છે. જયારે બે દિવસમાં ભારે વરસાદ સમયે 15થી 20 કિમીની ઝડપે પવન ફુંકાય તેવી શકયતા છે.
કચ્છમાં વરસાદની આ સિસ્ટમની અસર તળે ચોવીસ કલાકમાં અનેક જગ્યાએ 8થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે મંગળવારે સવારથી જિલ્લાભરમાં વાદળો છવાયેલા છે અને ઝરમર વરસાદ થઇ રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ મંગળવાર સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં અંજારમાં 31 મીમી સાથે સિઝનનો વરસાદ 1119 મીમી થયો છે. લખપતમાં 67 મીમી સાથે 620 મીમી કુલ વરસાદ અને ભુજમાં વધુ 23 મીમી સાથે કુલ 949 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય તમામ તાલુકામાં ઝાપટા રૂપે વરસાદ નોંધાયો છે. ઝરમર ઝાપટા સાથે એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.