- મુંદ્રા કસ્ટોડીયલ ડેથ મામલે બીજા યુવકના મોત મામલે સમાજ આક્રમક
- જો યોગ્ય તપાસની ખાતરી નહી મળે તો સમાજ યુવકના મૃતદેહ સાથે ન્યાય માટે લડત કરશે
- સમાજે મિટીંગ દરમ્યાન સોમવારે મુંદ્રા બંધનુ એલાન આપ્યુ
- કચ્છના ગઢવી સમાજની બહુમત ધરાવતા ગામોમા ચૂંટણી બહિષ્કાર માટેનો નિર્ણયક્સ્ટોડીયલ ડેથના પગલે આવતીકાલે મુંદ્રા બંધનું એલાન
કચ્છ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા હરજુગ ગઢવીનો મૃતદેહ સ્વીકારવાનો ગઢવી સમાજે ઈન્કાર કરી દીધો છે. જ્યાં સુધી ફરાર છ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વિકારવામાં આવે તેવી ગઢવી સમાજે માંગણી કરી છે. બે- બે યુવકોના મોત મામલે સમસ્ત ગુજરાતનો ચારણ- ગઢવી સમાજ એક થઈ ગયો છે. દરમિયાન, કચ્છ ગઢવી- ચારણ મહાસભાના પ્રમુખ વિજય ગઢવી અને સમાજના આગેવાનોએ મુંદ્રામાં બેઠક યોજી ભાવિ કાર્યક્રમો અંગેની રણનીતિ ઘડી કાઢી છે. વિજયે જણાવ્યું હતું કે, હરજુગ ગઢવીનું પોસ્ટમોર્ટમ કરવા હજુ સમાજે સંમતિ આપી નથી. ચોક્કસ શરતોને આધિન રહીને જ સમાજ તેના મૃતદેહનું પીએમ કરવા અને અંતિમસંસ્કાર માટે અનુમતિ આપશે. જો કે, તે મામલે હજુસુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. સોમવારે સવારે સાડા નવ વાગ્યે સમાઘોઘા ખાતે સમસ્ત ચારણ સમાજની એક જાહેરસભા બોલાવાઈ છે. તો, માંડવી-મુંદ્રા સહિત ચારણ-ગઢવી સમાજની બહુમતિવાળાં ગામોને આવતીકાલે સ્વયંભૂ બંધ પાળી તેમનો શોક અને વિરોધ પ્રગટ કરવા એલાન અપાયું છે. આ મામલો માત્ર ગઢવી સમાજનો નહીં, પરંતુ પોલીસ અને પ્રજા વચ્ચેનો છે તેને અનુલક્ષીને ગઢવી સમાજે મુંદ્રાની સમસ્ત જનતાને પણ બંધમાં જોડાવા આહ્વાન કર્યું છે.
સરકારે પાળેલાં મૌનની ગઢવી સમાજે આકરી ટીકા કરી
કચ્છના ચૂંટાયેલાં ધારાસભ્યો- સાંસદ અને સરકારે પાળેલાં મૌનની ગઢવી સમાજે આકરી ટીકા કરી રોષ પ્રગટ કર્યો છે. તે વચ્ચે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી. કે. હુંબલે તેમની પ્રતિક્રિયા આપી ગઢવી યુવકોના હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવા માગ કરી છે. એક પ્રેસયાદીમાં તેમણે જણાવ્યું છે કે, રક્ષક જ ભક્ષક બનશે તો લોકોનો ભરોસો ન્યાયતંત્ર પરથી ઉઠી જશે. હુંબલે આરોપ કર્યો કે, કચ્છ જિલ્લામાં ખનીજચોરો, બૂટલેગરો, જમીન માફિયાઓ અને ઊંચા વ્યાજે નાણાં ધીરતાં લોકો તેમજ તેલચોરી, સ્ક્રેપચોરી જેવા ધંધાઓમાં માફિયાઓ સાથે સીધી ભાગીદારીથી પોલીસના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ સંડોવાયેલાં છે. એટલું જ નહીં, પોલીસ ખંડણીઓ લઈ માફિયાના કામો કરવામાં ભાગીદાર બને છે. જે ખૂબ ચિંતાજનક બાબત છે.
![ક્સ્ટોડીયલ ડેથના પગલે આવતીકાલે મુંદ્રા બંધનું એલાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10537337_kachkk.png)
સરકાર પાસે ન્યાયની માગ
એસપી અને આઈજી કાયદો વ્યવસ્થાને ગમે તેટલા સારા કરવાના પ્રયાસો કરે તો પણ નીચેની ટીમ ઉપલા અધિકારીઓને ગાંઠે તેવી નથી. પોલીસ કર્મચારીઓ જ આરોપી હોય અને તેઓ ન પકડાય તે પોલીસ માટે કલંકરૂપ ઘટના છે. પોલીસ ધારે તો પાતાળમાંથી પણ ગુનેગારોને શોધી લેતી હોય છે. જો ચારણ યુવાનોના હત્યારાઓને પોલીસ તાત્કાલિક પકડીને ઝડપી કાર્યવાહી નહીં કરે તો સમગ્ર કચ્છમાં આંદોલનો કરવામાં આવશે અને જે પરિસ્થિતિ ઉભી થાય તેની જવાબદારી પોલીસ વિભાગની રહેશે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદે ચારણ સમાજને ન્યાય મળે તે માટે કોઈ પ્રયાસ કર્યા નથી. જે ખૂબ સંવેદનહીનતા દર્શાવે છે. આ બાબતે ન્યાય અપાવવા ચૂંટાયેલા સત્તાપક્ષના લોકો આગળ આવે તેવી પણ હુંબલે માગ કરી છે.