કચ્છ : કચ્છ છેલ્લા બે દાયકાથી પ્રવાસીઓનો હબ બની રહ્યું છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ ફરવા આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓને વાહનવ્યવહાર માટે વધુ એક સુવિધાના ભાગરૂપે આગામી મહિનાથી ભુજ-મુંબઇ અને ભુજ-દિલ્હી વચ્ચેની ઇન્ડિગો તરફથી એર કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે.
પ્રવાસીઓને થતી કનડગત દૂર થશે : ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ભુજથી મુંબઇ માટે બે અને દિલ્હીની એક ફલાઇટ મળે તેની ટૂંક સમયમાં વિધિવત જાહેરાત કરવામાં આવશે.આમ તો ભુજ એરપોર્ટ પર અગાઉ જેટ એરવેઝની ભુજ-મુંબઇની ફલાઇટ જતી હતી પરંતુ આ ફ્લાઇટ બંધ થયા બાદ પ્રવાસીઓને તેની સતત ખોટ વર્તાતી હતી. તો તેની સાથે જ એર ઇન્ડિયા દ્વારા એ.ટી.આર. સેવા ક્યારેક શરૂ ક્યારેક બંધ રહેતી હતી અને હાલમાં એલાયન્સ એરની એક ફલાઇટ ભુજ-મુંબઇ અને સ્ટાર એરની ભુજ-અમદાવાદ વચ્ચે ફલાઇટ ચાલુ છે.
ઇન્ડિગોની વિમાની સેવા શરૂ થાય તે માટેની તૈયારી શરુ : ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટ ક્યારેક મોડી કે રદ થતી હોવાથી પ્રવાસીઓને તકલીફ વેઠવી પડે છે. ત્યારે પ્રવાસીઓ તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા લગાતાર રજૂઆત અને માગને પગલે ભુજને આગામી સમયમાં ભુજથી મુંબઈ અને ભુજથી દિલ્હીની ફ્લાઇટ મળશે. ભુજની વિમાની સેવાને ફરીથી કાર્યરત કરવા અને મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા માટે સાંસદ વિનોદ ચાવડા દ્વારા ખાતરી આપવામાં આવી હતી. ઇન્ડિગો એરલાઇન્સના વિમાનનું ભુજ એરપોર્ટ પર આગમન ડિસેમ્બર માસમાં થશે અને ઇન્ડિગોની વિમાની સેવા શરૂ થાય તે માટેની તૈયારી પણ શરૂ થઇ ગઇ છે.
ભુજથી દિલ્હી અને ભુજથી મુંબઈ ફ્લાઇટ : આ અંગે વાતચીત કરતાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આ બન્ને ફ્લાઇટ આવનારા સમયમાં પ્રવાસીઓ માટે ખૂબ જ મોટી એક સુવિધા બનશે.
કચ્છને એર કનેક્ટિવિટી મળી રહે તે માટે કંડલા, ભુજ અને વિશેષ રૂપે મુન્દ્રથી નવા ફ્લાઇટ શરૂ થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. જેના ભાગરૂપે આવનાર સમયમાં એટલે કે આવતા મહિનાની અંદર indigo એરલાઇન્સ દ્વારા બે નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં એક ભુજથી દિલ્હી અને બીજી ભુજથી મુંબઈ...વિનોદ ચાવડા (સાંસદ)
પ્રવાસીઓ માટે સારી સુવિધા : આ બે ફ્લાઇટથી પ્રવાસીઓની મોટી સુવિધા ઊભી થશે. કારણ કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવતા હોય છે ત્યારે મુખ્યત્વે આખા ભારતભરમાંથી અને હવે તો રણ ઓફ કચ્છના કારણે વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે વિશેષ રૂપે ઉદ્યોગિક રીતે પણ કચ્છ હબ બની રહ્યું છે તો ઔદ્યોગિક રીતે પણ એર કનેક્ટિવિટી મહત્વપૂર્ણ સાબિત થશે. ડિફેન્સની રીતે જોઈએ તો સુરક્ષાની રીતે પણ અહીં બીએસએફ, આર્મી, એરફોર્સના જવાનો પણ અન્ય પ્રાંતના અહીં કાર્યરત છે. જેમના માટે આ એક સારી સુવિધા ઊભી થશે.
સંસ્થાઓ અને પ્રવાસીઓની માગ પૂર્ણ થઈ : ઉપરાંત ઉદ્યોગ જગતની અંદર, એનઆરઆઇ અને વિદ્યાર્થીઓ પણ જ્યારે વિદેશ ભણવા માટે હતા હોય છે ત્યારે તમામ લોકોની વિશેષ માંગણી રહેતી હોય છે કે નવી એરલાઇન શરૂ થાય અને જેના બાબતે indigo સાથે ઘણા સમયથી અલગ અલગ સંસ્થા અને લોકોએ જે માંગણી કરી હતી, પ્રવાસીઓએ માંગણી કરી હતી તે હવે પૂર્ણ થઈ છે અને કચ્છને તથા કચ્છના પ્રવાસીઓ માટે એક નવી સેવાનો લાભ જેમાં મુંબઈ અને દિલ્હી જવા માટેની ફ્લાઇટ કચ્છને મળવા જઈ રહી છે.