કચ્છ : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કચ્છની દેશદેવી માઁ આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની માઁ આશાપુરા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. આજે કચ્છના માતાના મઢ ખાતે રવીન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા સાથે પહોંચ્યા હતા અને દેશ દેવી માઁ આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ઓલ રાઉન્ડર પ્લેયર રવીન્દ્રસિંહ જાડેજા કચ્છમાં : ઇન્ડીયન ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર પ્લેયર રવીન્દ્રસિંહ જાડેજા તેમજ તેમના ધર્મપત્ની રિવાબા જાડેજા કે જેઓ ઉત્તર જામનગર વિધાનસભાના ધારાસભ્ય છે. તેઓ આજે કચ્છના પ્રવાસે છે અને કચ્છના માતાના મઢ સ્થિત માં આશાપુરા માતાના દર્શન કરી માતાજીના ચરણોમાં શિશ નમાવ્યું હતું. જો કે લોકોની ભીડ ન જામે તે માટે કરીને રવીન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્નીએ વહેલી સવારે માતાજીના દર્શન કર્યા હતાં.
માતાજીના દર્શન મેળવી આશીર્વાદ મેળવ્યાં : માતાના મઢના સ્થાનિક ગિરીશ જોષીએ જણાવ્યું હતું કે, " માતાના મઢ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખિલાડી રવીન્દ્ર જાડેજા અને તેમના પત્નીએ વહેલી સવારે જ માતાજીના દર્શન મેળવી આશીર્વાદ મેળવ્યા હતાં. દર વર્ષે એક વાર રવીન્દ્ર જાડેજા માતાના મઢ અચૂકપણે દર્શન કરવા આવે છે.આમ તો આઇપીએલ પૂર્ણ થતાં જ તેઓ દર્શન કરવા આવતા હોય છે આ વર્ષે 2024ના વર્ષની શરૂઆતમાં જ તેમને દર્શન કર્યા હતા. વર્ષ 2023ના આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સની જીતમાં રવીન્દ્ર જાડેજાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો "
મા આશાપુરા પ્રત્યે જાડેજા પરિવારને અનેરી શ્રદ્ધા : દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેમના પત્નીને આવકારવામાં આવ્યાં હતાં. ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટ ખેલાડી રવીન્દ્ર જાડેજા અને તેમના પરિવારને કચ્છના માતાના મઢ ખાતે બિરાજમાન મા આશાપુરા પ્રત્યે અનેરી શ્રદ્ધા છે અને જાડેજા વંશના કુળદેવી પણ મા આશાપુરાને માનવામાં આવે છે.