કચ્છઃ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી વિવિધ કળાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જેમાં ભરતકામ, રંગકામ, બાંધણી, બ્લોકપ્રિન્ટથી માંડીને ચાંદીના નક્શીકામ સુધીની કળાઓનો સમાવેશ થાય છે. ચાંદી પર થતું નક્શીકામ સદીઓ જૂની કળા છે. કચ્છમાં ચાંદીના વાસણો પર અદભુદ નક્શીકામ કરવામાં આવે છે. આ નક્શીકામ કરેલા ચાંદીના વાસણ રાજા રજવાડા સમયમાં ખૂબ પ્રચલિત બન્યા હતા. અંગ્રેજોના સમયમાં આ નક્શીકામવાળા ચાંદીના વાસણો તેના બારીક કોતરણી કામને લીધે ઈંગ્લેન્ડના મ્યુઝિયમ સુધી પહોંચ્યા હતા. ચાંદીના એક વાસણ પર થતાં નક્શીકામને પૂર્ણ થતા 20થી 25 દિવસનો સમય લાગી જાય છે. ચાંદીના વાસણો પર આ રીતે થતું અતિબારીક નક્શીકામ વિશ્વ પ્રસિદ્ધ છે જે સમગ્ર ભારતમાં માત્ર કચ્છમાં જ થાય છે.
ચાંદી નક્શીકામ કળાઃ ચાંદીના વાસણો અને બીજા પાત્રો પર બહુ બારીકાઈથી નક્શીકામ કરવામાં આવે છે. આ કામના કારીગરોની 4થી 5 પેઢીઓ સંકળાયેલી હોવાની માહિતી મળે છે. આ નક્શીકામની બારીક કોતરણી કારીગરો પોતાની ભાવિ પેઢીને વારસામાં આપતા જાય છે. આ નક્શીકામ માટે ખાસ પ્રકારના ઓજારોનો ઉપયોગ થાય છે. સૌથી પહેલા ચાંદીની પ્લેટ બનાવવામાં આવે છે. આ પ્લેટને જે તે વાસણ જેવો આકાર આપવામાં આવે છે. ત્યારબાદ આ પ્લેટ પર ખાસ કારીગરો દ્વારા ખાસ ઓજારોથી બારીક કોતરણીકામ કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્લેટને વાસણ પર મઢવામાં આવે છે.
ચાંદીના વાસણોનું મહત્વઃ ચાંદીના વાસણોમાં જમવું બહુ આરોગ્યપ્રદ છે. રાજા રજવાડાઓના સમયથી ચાંદીના વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારે પણ ઉચ્ચ મધ્યમવર્ગ અને ઉચ્ચ વર્ગ ચાંદીના વાસણોમાં જમવાનું, ખોરાકનો સંગ્રહ, પાણી પીવું વગેરે કરતા જોવા મળે છે. ચાંદી પર બારીક કોતરણીકામ કરેલા વાસણોનું આકર્ષણ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ એટલું જ જોવા મળે છે. ચાંદીના વાસણો માટે જે ચાંદી વાપરવામાં આવે છે તે અતિશુદ્ધ હોય છે. તેથી આ શુદ્ધ ચાંદીમાંથી બનેલા વાસણોના ઉપયોગનો ક્રેઝ વધુ જોવા મળે છે.
મૃતપ્રાય બની રહેલી કળાઃ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થઈ ચૂકેલ આ ચાંદી નક્શીકામ કળા અત્યારે મૃતપ્રાય બની રહી છે. ચાંદીના વાસણ પર થતું નક્શીકામ અતિબારીક હોય છે. જે ખાસ પ્રકારના ઓજારોથી કરવામાં આવે છે. આ કળા દ્વારા તૈયાર થતું વાસણ અતિ કિમતી હોય છે. જો કે આ રીતે તૈયાર થતા વાસણમાં ખૂબ જ સમય લાગે છે. જેથી નવી પેઢીના કારીગરો આ કળામાં સામેલ થવાથી અચકાય છે. બીજું કચ્છી નક્શીકામ ધરાવતા ચાંદીના વાસણો અતિ કિમતી હોય છે તેથી તેનો ગ્રાહક વર્ગ બહુ મર્યાદિત હોય છે. જેથી આ કળા સાથે સંકળાયેલા કારીગરો માટે આ કળાને જીવંત રાખવી બહુ મોટો પડકાર છે.
ચાંદીના વાસણો પર નક્શીકામ કરતા કારીગરોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. ચાંદી નક્શીકામ કરતા કારીગરોની સરકારને વિનંતી છે કે કચ્છના અન્ય કારીગરો જેવા કે હેન્ડીક્રાફ્ટના કારીગરોને જે મહત્વ આપવામાં આવે છે તેવું જ મહત્વ અમને આપવામાં આવે. ચાંદીના વાસણો પર નક્શીકામ કળા અને કારીગરને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો ગુજરાત સરકારે હાથ ધરવા જોઈએ...સાગર પોમલ (ચાંદી નક્શીકામના કારીગર, કચ્છ)
હું છેલ્લા 28 વર્ષથી આ વેપાર સાથે સંકળાયેલ છું. ચાંદીના વાસણો પર હાથથી તૈયાર કરવામાં આવતું નક્શીકામ ખૂબ જ લોકપ્રિય છે. આ કળા ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ પ્રખ્યાત છે. યુકે, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં ચાંદી નક્શીકામવાળા વાસણો એક્સપોર્ટ થતા હોય છે. ચાંદીના વાટકા, ટ્રે, ડિનરસેટ, ગ્લાસ પર ખૂબ જ બારીક કોતરણી કરવામાં આવે છે. નકશીકામ કરતા કારીગરો હવે ખૂબ ઓછા રહ્યા છે. હાલમાં આ ક્ષેત્રમાં માત્ર 7થી 8 કારીગરો કાર્યરત છે. આ કારીગરો બાદ આ કામ કોઈ કરે તેમ લાગતું નથી...રાજ સોની(વેપારી, કચ્છ)