કચ્છના: મુન્દ્રા તાલુકાના મંગરા ખાતે આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રાકૃતિક ખેતી કરતા કિસાનો તેમજ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો શેર કરવા સાથે રાજ્યપાલે કિસાનોને માર્ગદર્શન આપી કચ્છના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તેવી અપીલ કરી હતી.
મોડલ ફાર્મની મુલાકાત: મુન્દ્રાના મંગરા વાડી વિસ્તારમાં ખેડૂત ગુલાબભાઈ ચૌહાણના પ્રાકૃતિક ફાર્મની રાજ્યપાલે મુલાકાત લેતા જણાવ્યું હતું કે, "પ્રાકૃતિક ખેતીથી ન માત્ર લોકોનું આરોગ્ય સુધરે છે તેમજ તે પર્યાવરણને પણ અનુકૂળ હોવાથી આ ખેતી તરફ વધુમાં વધુ કિસાનો વળે તે આજના સમયની માંગ છે. રાજ્યપાલે આ સમયે મોડલ ફાર્મની મુલાકાત લઈને ખેડૂત દ્વારા બનાવવામાં આવતા જીવામૃત, ઘનામૃત વગેરેનુ નિરીક્ષણ કરીને આ અંગે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું."
કિસાનોને સૂચન કર્યા: પ્રાકૃતિક ખેતીમાં માંડવા પદ્ધતિના ઉપયોગથી ઉગાડવામાં આવતા પરવળ, તુરીયા, ટીંડોળા વગેરેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખેડૂતોને વધુમાં વધુ ઇન્ટરક્રોપીંગ પાક વધારવા તેમજ ફળદ્રુપતા વધારવાની સાથે સાથે જમીન ખાલી ન રાખવા માટે પણ ખાસ સૂચનો કર્યા હતા. રાજ્યપાલે વળી વિસ્તારમાં આવેલ બાયોગેસ પ્લાન્ટની પણ મુલાકાત લઈને જાણકારી મેળવી હતી. મંગરાના ખેડૂત ગુલાબભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજશક્તિ ખેતી સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી છે અને તેના 28 સભ્યો છે. તમામ સભ્યો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે. હાલમાં 13 પ્રકારના શાકભાજી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીના કારણે તેમના શાકભાજીની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં સુધારો થયો છે.
ગૌમુત્રનો ઉપયોગ: રાજ્યપાલે ખેડૂતોને ઘન જીવામૃત બનાવવા માર્ગદર્શન આપવા ઉપરાંત મીલિબગને રોકવા માટે તેમણે કુરુક્ષેત્રમાં ગૌમુત્રની મદદથી કરેલા સફળ પ્રયોગ અંગેની જાણકારી ખેડૂતોને આપી હતી. આ ઉપરાંત અદાણી ફાઉન્ડેશન તરફથી ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓએ ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવતા સહકારની વિગતો પણ રાજ્યપાલને જણાવવામાં આવી હતી.