જાન હૈ તો જહાં હૈ: સ્વૈચ્છિક લોકડાઉન પાળવા ભૂજ નગરપાલિકાના પ્રમુખની અપીલ - Bhuj lockdown news
ગુજરાત સહિત કચ્છમાં પણ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ માટે કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવું અનિવાર્ય પગલું ગણવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ભૂજના ટાઉનહોલ ખાતે ભૂજમાં 3 દિવસ માટે સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવે તે માટે નગરપાલિકાના કાઉન્સિલરોની એક બેઠક યોજાઇ હતી.

- નગરપાલિકા પ્રમુખે હાથ જોડીને જનતાને લોકડાઉન કરવા અપીલ કરી
- શહેર-જિલ્લામાં શાકભાજી વેચતા ફેરીયાઓના રેપિડ ટેસ્ટ કરાશે
- સોશિયલ મીડિયા તેમજ લાઉડ સ્પીકરોના માધ્યમથી સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ
ભૂજ : શહેર-જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેથી ભૂજ નગરપાલિકાના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો દ્વારા જનતાને સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ટાઉન હોલ ખાતે યોજાયલી બેઠકમાં વિરોધ પક્ષના નગરસેવકો દ્વારા પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. જેમાં શાકભાજીના ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરવાનો તેમજ રિક્ષાઓમાં લાઉડસ્પીકરના પ્રચાર પ્રસારથી લોકોમાં જાગૃતતા લાવવાના સૂચનોનો પણ સમાવેશ થાય છે.
જાહેર બાગ-બગીચાઓ 3 દિવસ માટે સંપૂર્ણપણે બંધ
નગરપાલિકા દ્વારા ભૂજ શહેરમાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જેમાં જાહેર બાગ-બગીચાઓ અને વોક-વેને 3 દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે અને નગરપાલિકા દ્વારા માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવશે.
નગરપાલિકા પ્રમુખ દ્વારા હાથ જોડીને સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ
નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા ભુજના રહેવાસીઓને મીડિયાના માધ્યમથી હાથ જોડીને સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવા માટે અપીલ કરવામાં આવી હતી અને 'જાન હૈ તો જહાં હૈ' એમ કહીને નાના વેપારીઓ તેમજ દુકાનદારોને સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી.