- વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે લીધી નડિયાદની મુલાકાત
- વડોદરા-ગેરતપુર લાઇન પર વાર્ષિક ઇન્સ્પેક્શન માટે રહ્યા ઉપસ્થિત
- સાંસદ દેવુસિંહ ચૌહાણે રેલવે સંબંધિત સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી
નડિયાદ: ગુરુવારે વડોદરા-ગેરતપુર લાઇન પરના વાર્ષિક ઇન્સ્પેક્શનના ઉદ્દેશથી વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર આલોક કંસલ ઉપસ્થિત રહ્યા હતા. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે તેમની ઔપચારિક મુલાકાત લઈ રેલવે સંબંધિત સ્થાનિક પ્રશ્નોની સુપેરે રજૂઆત સાથે ચર્ચા કરી હતી. જેમાં જનશતાબ્દી એક્સપ્રેસને નડિયાદ સ્ટોપેજ આપવા સ્થાનિક એસ. ટી.સ્ટેન્ડ સાથેના રેલવેના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જેનો રેલવેના ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય પ્રતિસાદ આપી પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા હૈયાધારણ આપી હતી.
સાંસદ દેવુસિંહ ચૌહાણે રેલવે સંબંધિત સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી
સાંસદ દેવુસિંહ ચૌહાણે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથેની મુલાકાત દરમ્યાન અનેકવિધ રેલવે સંબંધિત સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ થી કેવડિયા માટે શરૂ કરવામાં આવી છે. પરંતુ જેમના સન્માનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે, એ સરદાર પટેલ સાહેબના જન્મસ્થળ નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ નહીં આપવાના કારણે સ્થાનિક જનતાની લાગણી દુભાઈ છે.
સાંસદ દ્વારા કરવામાં આવી વિવિધ માગ
સરદાર પટેલ સાહેબનું જન્મસ્થળ નડિયાદ હોવાથી નડિયાદ રેલ્વે સ્ટેશન પર જનશતાબ્દી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવાની સૌની માગ છે. કપડવંજ-મોડાસા-શામળાજી રેલ્વે લાઈનના વિસ્તૃત કાર્યમાં, 1 ગામની જમીન સંપાદનનો વિભાગ -19 બાકી હતો, તેમાં કઇ પ્રગતિ થઈ છે અને જો જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે તો ટેન્ડર પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે? એવો સવાલ સાંસદે પોતાની રજૂઆતમાં કર્યો હતો. આ ઉપરાંત કોવિડ -19 રોગચાળાને કારણે બંધ થયેલી પેસેન્જર ટ્રેનોની સુવિધા વહેલી તકે ફરીથી શરૂ કરવા, નડિયાદ -પેટલાદ રોડ પર મોટા કુંભનાથ મહાદેવ પાસે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનની મંજૂરી આપવા, મહેમદાવાદ-રેલવે અંડર બ્રિજ નંબર -690ની પહોળાઈ અને ઊંડાઈ વધારવાની તેમજ મહેમદાવાદ-લેવલ ક્રોસિંગ ગેટ નંબર 292 ચોવીસ કલાક ખુલ્લો રાખવામાં આવતો નથી તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. કપડવંજ-ડાકોર ચોકડી રેલ્વે ક્રોસિંગથી સ્વામિનારાયણ મંદિર રેલવે અંડરપાસ માર્ગન NOC માટેની રજૂઆત કરવામાં આવી હતી.
નડિયાદથી અવર જવર કરતી આ સાત ટ્રેનોને નડિયાદ સ્ટેશને સ્ટોપેજ આપવા રજૂઆત કરાઈ હતી:
- લોકશક્તિ એક્સપ્રેસ-09029
- સૌરાષ્ટ્ર મેઇલ-02945
- બાંદ્રા-શ્રી ગંગાનગર એક્સપ-09707
- કચ્છ એક્સપ્રેસ-09456-09455
- બાંદ્રા ભાવનગર ટ્રાઇ સાપ્તાહિક સમાપ્તિ-02972-02975
- બીકાનેર-દાદર સુપરફાસ્ટ-02489-02490
- બીકાનેર-બાંદ્રા-રણકપુર એક્સપ્રેસ-04707નો સમાવેશ થાય છે.