ખેડા: યાત્રાધામ ડાકોરમાં પોલિસની સરાહનીય કામગીરી સામે આવી છે. શહેરના એક વ્યક્તિને રણછોડરાયજી મંદિરમાં હ્રદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. જે સમયે મંદિર પરિસરમાં હાજર પીએસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ દ્વારા દર્દીને તાત્કાલિક સીપીઆર આપી હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ દ્વારા જીવ બચાવવા માટે કરવામાં આવેલી કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.
ક્ષણના વિલંબ વિના દોડી ગયા: હાર્ટ અટેક આવતા મંદિરમાં દર્દી એકદમ જ ઢળી પડ્યા હતા. જેને લઈ તેમને બહાર લાવતા હાર્ટ એટેક આવ્યો હોવાનું લાગતાં પોલીસ કર્મચારીઓ તાત્કાલિક દોડી ગયા હતા. ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અંબાલાલ તેમજ પીએસઆઇ એ.એસ.ચૌધરી દ્વારા એક ક્ષણ પણ વેડફ્યા વિના વ્યક્તિનો જીવ બચાવવાની કોશિશ કરવામાં આવી હતી. ઢળી પડેલા બેભાન દર્દીને સીપીઆર આપવામાં આવ્યું હતું. જે બાદ દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
'આજે રવિવાર હોઈ મંદિરમાં ભીડ રહેતી હોવાથી અમે બંદોબસ્તમાં હાજર હતા. તે દરમ્યાન તેમને હાર્ટએટેક આવ્યો હોવાનું જણાતા અમે તાત્કાલિક સીપીઆર આપ્યો હતો. દર્દી થોડા ભાનમાં આવતા તેમને રિક્ષા મારફતે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.' -એ.એસ.ચૌધરી, પીએસઆઈ, ડાકોર
અચાનક ગભરામણ થતા ઢળી પડ્યા: મંદિરમાં સખડી ભોગ સમયે ભગવાન સમક્ષ મશાલ લઈ ઊભા રહેતા ભીખાભાઈ દશરથભાઈ વાળંદને અચાનક ગભરામણ થતાં તેઓ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓ ભાન ગુમાવી દેતાં હાજર પીએસઆઈને હાર્ટએટેક આવ્યો હોવાનું લાગતા તેમણે તાત્કાલિક સીપીઆર આપી હતી.જો કે ભીડને કારણે એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હોઈ દર્દીઓ માટે સેવા આપતી રિક્ષા મારફતે દર્દીને હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સારવાર દરમ્યાન દર્દીનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.