ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવા છતાં ડાકોર શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ ખાડે ગયેલી જોવા મળે છે. ડાકોરમાં ગેરકાયદેસર કતલખાના અને માંસાહાર પીરસતી હાટડીઓ અને હોટલો ધમધમે છે. આ ઉપરાંત સામાન્ય વરસાદમાં પણ રણછોડરાયજી મંદિર સહિતના વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યા છે. ડાકોરમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણો બાબતે ડાકોરના જાગૃતજનો અને હોદ્દેદારો સહિત પદાધિકારીઓ દ્વારા અનેક વખત ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલા નહીં ભરાતા ડાકોરની વિકટ સમસ્યાઓની પરિસ્થિતિ જેસે થે જેવી છે. રવિવારે શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે ડાકોરની મુલાકાત લીધી હતી. શહેરમાં સ્વચ્છતાની પરિસ્થિતિને લઇને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, સામાન્ય વરસાદમાં પણ રણછોડરાયજી મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં ગંદકીની કાયમી સમસ્યા છે. ગોમતીના ડેવલપમેન્ટમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગોમતી તળાવના શુદ્ધિકરણ બાબતે પણ ડાકોર નગરમાં વ્યાપક રોષ પ્રવર્ત્યો છે. ઉપરાંત શહેરના આંતરિક રસ્તાઓ પર ગંદકી અને જાહેર માર્ગોની બિસ્માર હાલતમાં છે. આ ઉપરાંત ડાકોરને કપડવંજ સાથે જોડતો હાઇવે પણ ખખડધજ હાલતમાં છે. આ વિવિધ સમસ્યાઓની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યા એની એ જ છે. રવિવારે રાજ્યના પ્રધાને આ અંગે સ્થાનિક સંગઠન અને સિનિયર આગેવાનોએ રજૂઆત કરી હતી. ડાકોરની વિકટ અને વણ ઉકેલાયેલ કાયમી સમસ્યાના નિવારણ માટે માગ કરવામાં આવી હતી. જેને લઇ રાજ્યપ્રધાન યોગેશ પટેલ દ્વારા આ તમામ સમસ્યાઓ સાંભળી તેના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી.