- કોરના મહામારીમાં માસ્ક પહેરવો એ જ એક માત્ર ઉપાય
- કોરોના મહામારીમાં માસ્ક બનાવી મહિલાઓ આત્મનિર્ભર બની
- સ્વૈચ્છીક તેમજ ધંધાદારી સંસ્થાઓનો સહયોગ
- આ માસ્ક સંસ્થાઓના માધ્યમથી વિનામૂલ્યે વિતરણ
ખેડા: કોરોના મહામારીએ છેલ્લા કેટલાક સમયથી માનવજીવનને ભારે પ્રભાવિત કર્યું છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં મહામારીની વ્યાપક અસરો જોવા મળી રહી છે. ત્યારે હાલમાં મહામારીના સમયમાં રોજગારીના સ્ત્રોત મર્યાદિત બન્યા છે. એવા સમયે જરૂરિયાત મંદ મહિલાઓ દ્વારા માસ્ક બનાવી રોજગારી મેળવી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં આવી રહી છે.
મહિલાઓને સાંપડી રહ્યો છે સંસ્થાઓનો સહયોગ
આ મહિલાઓ ગ્રામીણ વિસ્તારની તેમજ શહેરના વિવિધ સ્લમ વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ મહિલાઓ એકત્ર થઇ વિવિધ સંસ્થાઓની સહાયથી મહામારીથી રક્ષણ માટે અતિ ઉપયોગી એવા માસ્ક બનાવવાની કામગીરી કરી રહી છે. જેમાં તેમને વિવિધ સ્વૈચ્છીક તેમજ ધંધાદારી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. મહિલાઓ દ્વારા બનાવાયેલા આ માસ્ક સંસ્થાઓના માધ્યમથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
મહિલાઓ પોતાના ઘર પરિવારને મદદરૂપ બની
માસ્ક બનાવવા માટે મહિલાઓને મહેનતાણું ચૂકવવામાં આવે છે. જે મહેનતાણાથી મહિલાઓ પોતાના ઘર પરિવારને મદદરૂપ બની રહી છે. પરિવારના ગુજરાનમાં પોતાનું યોગદાન આપતી આ મહિલાઓ માસ્ક બનાવવાની પ્રવૃત્તિથી રોજગારી મળતા અણીના સમયે ખરેખરી આશીર્વાદરૂપ બની હોવાનું ગદગદિત સ્વરે જણાવી રહી છે.
માસ્ક બનાવી મહામારી સામેની લડતમાં યોગદાન આપતા આનંદ
માસ્ક બનાવી પોતાના સમયનો સદુપયોગ કરવા સાથે આ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભરતા મેળવી ઘર પરિવારને મદદરૂપ પણ બની રહી છે.સાથે જ મહામારીના સમયે જ્યારે માસ્ક પહેરવો એ જ એક માત્ર ઉપાય છે ત્યારે માસ્ક બનાવી મહામારી સામેની લડતમાં તેઓ પોતાનું યોગદાન પણ આપી રહી છે અને આ કામગીરીથી તેઓ આનંદ વ્યક્ત કરી રહી છે.