ખેડા: કપડવંજમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસો વધી રહ્યાં છે. કપડવંજ શહેર અને તાલુકામાં મળી અત્યાર સુધી 25 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.ત્યારે તંત્ર દ્વારા ગંભીર બેદરકારી ભર્યું વલણ અપનાવવામાં આવતું હોવાનું જોવા મળી રહ્યું છે.
કોરોના સંક્રમણ વચ્ચે શહેરમાં એક તરફ એસટી બસમાં ફક્ત ને ફક્ત 30 મુસાફરોને ટેમ્પરેચર ચેકઅપ કરીને ચુસ્ત નિયમોના પાલન સાથે બસો યાત્રીઓને લઇ જતી હોય છે, ત્યારે જાણે કોરોનાને આમંત્રણ આપતી હોય તેમ કપડવંજ બસ સ્ટેન્ડ સામે જ રિક્ષાઓ 15થી 20 મુસાફરોને ભરચક રીતે ભરીને લઈ જાય છે. શહેરમાં રિક્ષાઓમાં બેરોકટોક ભરચક યાત્રીઓ બેસાડવામાં આવી રહ્યાં છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાનું જણાઈ આવે છે. પોલિસ સહિત સ્થાનિક તંત્ર સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તે વ્યાપક હિતમાં જરૂરી બન્યું છે.
મહત્વનું છે કે, કપડવંજ તાલુકામાં કોરોનાના દર્દીઓનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે ભરચક પેસેન્જર ભરીને લઈ જતી આ રિક્ષાઓ ગામડે ગામડે કોરોના ફેલાવે તો નવાઈ નહી.