ડાકોર: ભક્ત બોડાણાના અનન્ય ભક્તિભાવથી પ્રેરાઈને દ્વારિકાના નાથ રાજાધિરાજ રણછોડરાયજી ભગવાન 868 વર્ષ અગાઉ ડાકોર પધાર્યા હતા. ભક્ત બોડાણાજી દ્વારકાધીશના અનન્ય ભક્ત હતા. તેઓ પગપાળા દ્વારિકા ખાતે દ્વારકાધીશના દર્શને જતા હતા. જીવનના અનેક વર્ષો સુધી તેમનો આ નિયમ હતો. જે બાદ તેઓની ઉંમર વધતા શરીર કૃશ થતા રાજાધિરાજ દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી કે પ્રભુ હવે તમે ડાકોર આવો. તેમના અનન્ય ભક્તિભાવથી પ્રેરાયને ભગવાન જાતે બળદગાડું ચલાવી ભક્ત બોડાણાજીને કાર્તિકી પૂર્ણિમાના દિવસે ડાકોર પહોંચ્યા હતા. જેને આજે 868 વર્ષ પૂર્ણ થયા છે.
દુર્લભ મોટો મોરમુગટ ધારણ કરાવાયો: આજથી 90 વર્ષ પહેલા રાજાધિરાજ રણછોડરાયજીને અમૂલ્ય આભૂષણો અને અલંકારોથી સુશોભિત મોટો મોર મુગટ ભાવિક ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. જે તે સમયે તેની કિંમત સવા લાખ રૂપિયા હતી. જે હાલના સમયે કરોડોમાં પહોંચી છે. આ ઐતિહાસિક એવો મોટો મોરમુગટ રણછોડરાયજીને વિશેષ તહેવાર પર ધારણ કરાવાય છે તેમજ વિશેષ શણગાર કરવામાં આવે છે. આજે કાર્તિકી પુર્ણિમાએ રાજાધિરાજને ડાકોર પધાર્યાને 868 વર્ષ પુર્ણ થતા આ મુગટ ધારણ કરાવવા સાથે વિશેષ શણગાર કરાયો હતો.
રણછોડરાયજી મહારાજને ડાકોર આવ્યાને 868 વર્ષ પુર્ણ થયા છે. રણછોડરાયજી મહારાજના આ દિવસનો ઉત્સવ કાર્તિકી પૂર્ણિમાએ ખૂબ ધામધૂમપુર્વક ઉજવાય છે. કાર્તિકી પૂર્ણિમાએ જ રણછોડરાયજી ડાકોર પધાર્યા હતા. જે નિમિત્તે ઉત્સવ ઉજવાય છે. ભગવાનને મોટો મોર મુગટ ધારણ કરાવાય છે. - પૂજારી બિરેન પંડ્યા
મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા: આજે કાર્તિકી પુર્ણિમા દેવ દિવાળીએ મોટી સંખ્યામાં ભાવિકોએ ડાકોર પહોંચી રાજાધિરાજની દર્શન કર્યા હતા. વહેલી સવારથી ભાવિકોનો મહેરામણ મંદિરે ઉમટ્યો હતો. ભક્ત વત્સલ ભગવાન રણછોડરાયજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.