જૂનાગઢ : ગુજરાતીમાં કહેવત છે કે, ''જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત'' હવે યુનેસ્કોમાં પણ સદાકાળ ગુજરાત જોવા મળશે. વૈશ્વિક સંગઠન યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહરમાં સમાવેશ કરીને ન માત્ર ગરબો પરંતુ પ્રત્યેક ગુજરાતી અને વિશ્વના દરેક ખૂણામાં ગુજરાતી પણાને ગરબા સાથે જીવંત રાખતા પ્રત્યેક ગુજરાતી માટે આજની ક્ષણ ખૂબ જ ગૌરવવંતી બની રહી છે. જે રીતે યુનેસ્કો દ્વારા ગુજરાતી ગરબાને સાંસ્કૃતિક વારસા તરીકે આજે જાહેર કર્યો છે, ત્યારે જુનાગઢ વાસીઓ પણ યુનેસ્કોના આ પગલાંને ખૂબ જ માનભેર આવકારી રહ્યા છે અને ગુજરાતને મળેલી આ અવિસ્મરણીય ક્ષણને મન ભરીને માણવાની સાથે યુનેસ્કોનો આભાર પણ વ્યક્ત કરે છે.
પંચાંગનું મિશ્રણ એટલે ગરબો : ગરબાને પંચાંગનું મિશ્રણ માનવામાં આવે છે. ગાય, ગીતા, ગૌરી, ગામડા અને ગરબો આ પંચાંગને ગરબા તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન પ્રત્યેક ગુજરાતી ગરબાના તાલે ઘુમીને જગત જનની માં જગદંબાની આરાધના કરતા હોય છે. નવરાત્રીના આ નવ દિવસો પ્રત્યેક ગુજરાતી માટે અને જ્યાં જ્યાં ગુજરાતી લોકો વસે છે તે તમામ જગ્યા પર નવ દિવસ ઉત્સાહ અને ઉજવણી સાથે ગરબે ઘૂમવાના હોય છે. ત્યારે હવે ગુજરાતનો ગરબો ન માત્ર દેશના સીમાડા ઓળંગ્યા છે પરંતુ વૈશ્વિક સંગઠને પણ ગરબાને સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરીને ગરબાને અદકેરુ સન્માન આપ્યું છે.
વિશ્વનો સૌથી લાંબો તહેવાર : નવરાત્રીના નવ દિવસોને વિશ્વના સૌથી લાંબા ચાલનારા તહેવાર તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે. સતત નવ દિવસ સુધી ચાલતો નવરાત્રીનો તહેવાર કોઈ પણ દેશના ધાર્મિક તહેવારોમાં સર્વપ્રથમ ઉજવણીના દિવસોની દ્રષ્ટિએ સૌથી લાંબો માનવામાં આવે છે. ત્યારે વિશ્વનો સૌથી લાંબો તહેવાર નવરાત્રી અને તેમાં ગવાતો ગરબો આજે વિશ્વની સર્વોચ્ચ સંસ્થા Unesco દ્વારા પણ સાંસ્કૃતિક વારસા તરીકે સામેલ કરીને લાંબા તહેવાર અને હવે વિશ્વના સાંસ્કૃતિક વારસા તરીકે પણ જોડીને ગુજરાતની સાથે પ્રત્યેક ગુજરાતી અને ગરબાને વિશ્વ ફલક પર મુકયો છે.