જૂનાગઢ: જૂનાગઢ શહેર અને જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસીઓ જૂનાગઢ શહેરની મુલાકાતે આવતા હોય છે. જૂનાગઢમાં આવ્યા બાદ તેઓ તેમના નિર્ધારિત સ્થળે પહોંચવા માટે ઓટોરિક્ષાનો સહારો લેતા હોય છે. આવી ઓટોરિક્ષામાં કોઈ પણ મુસાફર કે પ્રવાસીને તેની જાન માલની સુરક્ષા થાય તેવા હેતુ સાથે રીક્ષાનું સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
2262 જેટલી રીક્ષાની તપાસ: જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાનીમાં જૂનાગઢ સહિત જિલ્લાના તમામ તાલુકાના 32 પોઇન્ટ ઉપર સઘન રીક્ષા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 18 પોલીસ સ્ટેશનના 32 ટ્રાફિક પોઇન્ટ પર 32 જેટલા પોલીસ અધિકારીઓ અને 250 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ સામેલ થયા હતા. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં જૂનાગઢ શહેરની સાથે જિલ્લાના તમામ તાલુકા મથકોમાં સાંજ સુધીમાં 2262 જેટલી રીક્ષાની તપાસ કરવામાં આવી હતી.
104 રીક્ષા ચાલકો સામે કાર્યવાહી: નિયમનો ભંગ તેમજ હથિયારની સાથે કેફી પીણું પીધા બાદ રીક્ષાનું સંચાલન કરતા તમામ રિક્ષા ચાલકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં 104 જેટલા રીક્ષા ચાલકો સામે નિયમોનું પાલન નહીં કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમય દરમિયાન જે મુસાફરો રીક્ષામાં પ્રવાસ કરી રહ્યા હતા તેવા તમામ મુસાફરોને તેમના નિર્ધારિત સ્થળે પોલીસના વાહનમાં મુકવાની વ્યવસ્થા પણ પોલીસે કરી હતી.
'પોલીસ ડ્રાઈવ દરમ્યાન નંબર પ્લેટ વગરના 63, કેફી પીણું પીને રીક્ષા ચલાવતા 9 તો 2 રીક્ષા ચાલકો હથિયાર સાથે તેમજ ખોટા માલિકો દર્શાવીને 8 જેટલા રીક્ષા ચાલકો રીક્ષા ચલાવી રહ્યા હતા. 6 રીક્ષામાં ગેરકાયદેસર ચીજોની હેરાફેરી પણ સામે આવી હતી. સાથે રિક્ષામાં તેની મર્યાદા કરતા વધુ પ્રવાસીઓના બેસાડવાના 18 કિસ્સામાં મળીને કુલ 104 જેટલા રીક્ષા ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન બોડી વોર્ન કેમેરા પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.' - હર્ષદ મહેતા, પોલીસ અધિક્ષક