જૂનાગઢઃ શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમીના તહેવારે જુનાગઢના ખેતલીયા દાદા ના મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. નાગ દેવતાના દર્શન કરીને નાગ પંચમીના ધાર્મિક પર્વની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે નાગ દેવતાને દૂધ, કુલેર અને શ્રીફળનો નૈવૈધ ધરાવાય છે. તેમની પૂજા કરીને વિશેષ ફળ પ્રાપ્તિ કરી શકાય છે. અનાદિકાળથી શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે ઉજવાય છે.
સનાતન સંસ્કૃતિમાં સર્પનું મહાતમ્યઃ નાગદેવતા ખેતરનું રક્ષણ કરતા હોવાથી તેમને ક્ષેત્રપાળ તરીકે પણ પૂજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે નાગોમાં હું વાસુકી નાગ છું. તેમજ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે દેવોના દેવ શંકર ભગવાને ગળામાં સર્પની માળા ધારણ કરી છે. ભગવાન શ્રી રામના નાનાભાઈ શ્રી લક્ષ્મણને સાક્ષાત શેષનાગનો અવતાર માનવામાં આવે છે. સમગ્ર પૃથ્વીનો ભાર શેષનાગના માથા પર હોવાની સંકલ્પના હિન્દુ ધર્મના અનુયાયીઓમાં પ્રચલિત છે. આમ આપણી સનાતન સંસ્કૃતિમાં નાગને માનવજાતના મિત્ર, ભાઈ અને ભગવાન ગણવામાં આવ્યા છે. તેથી જ નાગ પંચમીએ નાગની પૂજાનું વિશેષ મહત્વ રહ્યું છે.
સર્વ દિશામાંથી આવતા ઝેર જેવા કડવા પ્રસંગોમાં નાગ દાદા આપણું રક્ષણ કરે છે. તેમની પૂજા અર્ચના કરવાથી આપણે જીવનમાંથી ઝેરના ઘુંટડા જેવા પ્રસંગો ઓછા થાય છે...પૂર્ણાનંદ પંડિત(મહંત, ખેતલીયા દાદા મંદિર, જૂનાગઢ)
અત્યંત પાવનકારી છે નાગ પંચમી વ્રતઃ નાગ પંચમીના વ્રતનો મહિમા ભગવાન શિવજીએ માતા પાર્વતીને જણાવ્યો હતો. નાગ પંચમીનું વ્રત અતિ પુણ્યદાયી માનવામાં આવે છે. આ વ્રતનું ફળ દેવોને પણ દુર્લભ હોય છે. નાગ પંચમીના દિવસે દૂધ જેવા નૈવૈધ સહિત નાગ દેવતાની પૂજા આરાધના કરવામાં આવે છે. ભૂદેવોને સહર્ષ જમાડી, યથાશક્તિ દાન આપવાથી વિષ્ણુ પદ પ્રાપ્ત થતુ હોવાની ધાર્મિક માન્યતા છે.
આજે નાગ પાંચમ નિમિત્તે અમે જૂનાગઢના ખેતલીયા આપા મંદિરે નાગ દેવતાની પૂજા અર્ચના કરવા આવ્યા છીએ. આ મંદિરનું વાતાવરણ અત્યંત પાવન છે...હિનાબેન (દર્શનાર્થી, ખેતલીયા મંદિર, જૂનાગઢ)