જૂનાગઢઃ કોરોના વાઇરસ હવે વધુ ઉગ્ર અને ઘાતક બનતો જાય છે, ત્યારે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેને ફેર ચકાસણી કરવા તેમજ તૈયારીઓમાં કોઈપણ પ્રકારની ઉણપ નથી તેની જાત તપાસ માટે તમામ ઉચ્ચ અધિકારીઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તમામ તૈયારીઓનો બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા બેડની વેન્ટિલેટર સાથે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ માટે જિલ્લાનું આરોગ્ય અને વહીવટીતંત્ર સતેજ અને મુસ્તેજ છે. તેમજ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોવાની સાથે-સાથે તમામ જરૂરિયાતો સિવિલ હોસ્પિટલમાં ગોઠવી આપવામાં આવી છે. જેની ચકાસણી કરવા માટે કલેકટર ડૉ. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીએ મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલના તબીબો તેમજ મેડિકલ કોલેજના ડીન સાથે સમગ્ર મામલે ગંભીરતા પૂર્વક ચર્ચાઓ કરીને તમામ વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન અને માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું.