જૂનાગઢ : પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં જાણે કે બોગસનો રાફડો ફાટી નીકળ્યો હોય તે પ્રકારના સમાચારો અને અહેવાલો માધ્યમોમાં પ્રકાશિત થઈ રહ્યા છે. શિક્ષક તબીબ કર્મચારી આઈએએસ અને આઇપીએસ અધિકારીની સાથે એક આખી બોગસ કચેરી પણ પકડી પાડવામાં આવી હતી તેમાં હવે એક નવું સંસ્કરણ ઉમેરવામાં જઈ રહ્યું છે. જૂનાગઢ તાલુકા પોલીસે રાજેશ જાદવ નામના બોગસ ધારાસભ્યની અટકાયત કરી છે.
એમએલએ ગુજરાત લખેલી કારનો રોફ : મૂળ મેંદરડા તાલુકાના સીમાસી ગામનો રાજેશ જાદવ પોતાની કારમાં એમએલએ ગુજરાત લખીને રોફ જમાવતો હતો. કારની હિલચાલ શંકાસ્પદ લાગતા તાલુકા પોલીસે સધન પૂછપરછ કરતા પકડાયેલો રાજેશ જાદવ બિલકુલ બોગસ હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિભાગીય પોલીસ અધિક્ષકે આપ્યો પ્રતિભાવ : એમએલએ ગુજરાત લખેલી કારમાંથી પકડાયેલા બોગસ વ્યક્તિ રાજેશ જાદવને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે. વિભાગીય પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા વધુમાં જણાવે છે કે ગઈ કાલે તાલુકા પોલીસ મથકના અધિકારી અને કર્મચારીઓ રાત્રિના સમયે વાહન ચેકિંગમાં હતાં. ત્યારે એમએલએ ગુજરાત લખેલી જી જે 11 એસ 6631 નંબરની કારની હિલચાલ શંકાસ્પદ લાગતા તેની તપાસ કરતા આ વ્યક્તિ બોગસ હોવાનું સામે આવ્યું હતું. વધુમાં કારમાંથી રાજ્યપ્રધાનના અંગત મદદનીશનું વીઝીટીંગ કાર્ડ પણ મળી આવ્યું છે તેને લઈને પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
બોગસને લઈને ગુજરાત બદનામ : પાછલા કેટલાક સમયથી બોગસ વ્યક્તિઓ ગુજરાતમાં ઉચ્ચ અધિકારીની સાથે શિક્ષક અને તબીબ તરીકે પોતાની ઓળખ આપીને પ્રસ્થાપિત થવાનો પ્રયાસ કરતા હતાં. થોડા દિવસો પૂર્વે ગુજરાતના જિલ્લામાંથી આખી બોગસ કચેરી સામે આવી ત્યારે બોગસ લોકોને ગુજરાત જાણે કે માફક આવી ગયું હોય તે પ્રકારે હવે લોકો મોટા મોટા પદ અને અધિકારીઓની ઓળખ આપીને રોફ જમાવતા શરૂ થયા છે.
વીઝીટીંગ કાર્ડ પણ મળ્યાં : રાજેશ જાદવ એમએલએ ગુજરાત લખેલી કારમાં ફરીને રોફ જમાવતો હતો. પોલીસ તપાસમાં તેની કારમાંથી રાજ્યપ્રધાન અંગત મદદનીશ તરીકેના વીઝીટીંગ કાર્ડ પણ પોલીસને પ્રાપ્ત થયા છે. તાલુકા પોલીસ અટકમાં રાખેલા રાજેશ જાદવ નામના બોગસ ધારાસભ્યની ઓળખ આપીને અન્ય કોઈ જગ્યા પર લાભ કે અન્ય ગુનાહિત કૃત્ય આચાર્યુ છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.
રાજેશ જાદવ વિરુદ્ધ છેતરપિંડીની અરજી : ગુજરાત એમએલએ લખેલી કારમાં રોફ જમાવતા આરોપી રાજેશ જાદવ વિરુદ્ધ ગોંડલ અને ધોરાજીમાં આયોજિત થયેલા સમૂહ લગ્નમાં પણ નાણાકીય ગેરરીતિ આચરી હોવાની અરજીઓ પણ થઈ હતી. ત્યારે સમગ્ર મામલામાં પકડાયેલ આરોપી રાજેશ જાદવ ધારાસભ્ય કે તેની કારમાંથી મળેલા રાજ્યપ્રધાનના અંગત મદદનીશ તરીકે કોઈ લાભ કે ગુનાહિત કૃત્ય કર્યું છે કે કેમ તેને લઈને આગામી દિવસોમાં પોલીસ તપાસમાં ખુલાસો થઈ શકે છે. તાજેતરમાં જ પરિક્રમા દરમિયાન રાજેશ જાદવે રાજ્યપ્રધાનના અંગત મદદનીશ તરીકેની ઓળખ આપીને પરિક્રમામાં ગેરકાયદે પ્રવેશ પણ કર્યો હતો તેવું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.