જૂનાગઢ : આ વર્ષના પુર અને પવનને કારણે પણ આવતા વર્ષનું ચોમાસું પણ સારું રહેવાનું અનુમાન પણ કરાયું છે. હજુ પણ ત્રણ દિવસ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. પાછલા 45 દિવસથી વરસાદે જાણે કે એકદમ રીસામણા લીધા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે આજે જૂનાગઢ જિલ્લાના વંથલીના દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીક વામજાએ સૌ કોઈ માટે સારા અને ખુશીના સમાચાર આપ્યા છે.
વરસાદને લઇને આગાહી કરાઇ : આગામી સપ્ટેમ્બર મહિના દરમિયાન ત્રણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન નદી નાળા છલકાતા જોવા મળશે, તો કેટલાક વિસ્તારમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. વર્ષા વિજ્ઞાન આગાહીકાર રમણીક વામજાએ નવરાત્રીના દિવસો દરમિયાન શીતળા નક્ષત્ર હોવાને કારણે પણ નવરાત્રિના સમયમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વધુમાં કૃષ્ણ જન્મોત્સવ બાદ પુર અને પવનને લઈને પણ આવતા વર્ષનું વરસાદનું અનુમાન થતું આવ્યું છે. તે મુજબ આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવ બાદ પવનની સ્થિતિ જોતા આવતા વર્ષે ચોમાસાનો સારો વરસાદ પડશે તેવું અનુમાન છે.
વરસાદ માટે આ મહિનો મહત્વપુર્ણ : સપ્ટેમ્બર મહિનો વરસાદ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ મહિના દરમિયાન પૂર્વ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને કારણે ગાજવીજ સાથે અને ખાસ કરીને બપોર બાદ મંડાણી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાય છે. વધુમાં 13મી સપ્ટેમ્બરથી સૂર્ય નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે 18મી સપ્ટેમ્બર સુધી આ નક્ષત્રનું વાહન હાથી હોવાને કારણે પવનનું જોર અને વરસાદ જોવા મળી શકે છે. અનુરાધા નક્ષત્રમાં પણ વરસાદના વધુ યોગ જોવા મળી શકે છે. 27 મી ઓગસ્ટ બાદ હાથીયા નક્ષત્રમાં પણ ખૂબ ભારે પવન સાથે ધોધમાર વરસાદની શક્યતાઓ છે.
આ નક્ષત્ર હેઠળ વરસાદ થશે : રમણીકભાઈ વામજાએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં ત્રણ વરસાદના યોગ નક્ષત્રને આધારે અનુમાની શકાય તેમ છે. હાથીયા અને શીતળા નક્ષત્રમાં વિશેષ પ્રમાણમાં વરસાદ થાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. વધુમાં નવરાત્રીના દિવસો દરમિયાન પણ શીતળા નક્ષત્રને ધ્યાને રાખીને વરસાદની શક્યતાને નકારી શકાય તેમ નથી. આ સમય દરમિયાન ફરી એક વખત નદી નાળા પણ છલકાતા જોવા મળી શકે છે.