જૂનાગઢ: કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વાઈરસને જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રવેશ તો અટકાવવાના ભાગરૂપે જૂનાગઢ મનપા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં તબીબી ચકાસણી શરૂ કરવામાં આવી છે.
કોરોના વાઈરસ રાજ્યમાં ફેલાવો સતત વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢ મનપા દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી કરવા માટેની અલગ અલગ ટીમો બનાવીને કોરોના વાઈરસનુ સંક્રમણ ન ફેલાય અને સંક્રમિત વ્યક્તિની વહીવટી તંત્રને જાણ થાય તેવા ઉદ્દેશ સાથે શહેરમાં તબીબો સાથે મેડિકલની ટીમને કામે લગાડવામાં આવી છે. જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોના આરોગ્યનો ડેટા એકત્ર કરશે અને સંક્રમિત વ્યક્તિને તબીબી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરશે.
જે પ્રકારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જૂનાગઢ શહેર હજૂ પણ કોરોનાના કહેરથી શહેર અને જિલ્લો આબાદ રીતે બચી ગયેલો જોવા મળે છે. જૂનાગઢને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં લોકો વધુ સચેત બને અને એવી કોઈપણ સંક્રમિત વ્યક્તિ કે જેમાં કોરોના વાઈરસના ચિન્હો હજૂ સુધી જોવા મળ્યા ન હોય તેવા તમામ વ્યક્તિની તપાસ કરવા માટે અલગ-અલગ તબીબો સાથેની મેડિકલ ટીમોને કામે લગાડવામાં આવી છે, અને આગામી થોડા જ દિવસોમાં જૂનાગઢ શહેરના મોટાભાગના શહેરીજનોનો ડેટા એકત્ર કરીને જૂનાગઢ શહેરને કોરોના મુક્ત રાખવાના મહા અભિયાનમાં સોમવારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને તબીબો પણ જોડાયા છે.