જૂનાગઢ: વેરાવળના ખ્યાતનામ તબીબ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં અંતે વેરાવળ પોલીસે રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ ચુડાસમાને આરોપી જાહેર કરીને ફરિયાદ દાખલ કરી હતી. ગત 15 મેના રોજ નોંધાયેલી ફરિયાદ બાદ સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાએ વેરાવળ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. વેરાવળ કોર્ટે સુનાવણી પૂર્ણ કરીને આગોતરા જામીનનો ચુકાદો આવતી કાલ સુધી અનામત રાખ્યો છે. આવતીકાલે સવારે વેરાવળ કોર્ટ સાંસદ ચુડાસમા પિતા-પુત્રની જોડીને આગોતરા જામીન આપશે કે કેમ તે કોર્ટના અંતિમ ચૂકાદા બાદ જાહેર થશે.
ડો.ચગ આત્મહત્યા મામલો: ફેબ્રુઆરી મહિનાની 12 મી તારીખે ડોક્ટર અતુલ ચગ તેમની હોસ્પિટલમાં આવેલા નિવાસસ્થાન પર ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવ્યા હતા તે રૂમમાંથી પોલીસને એક ચિઠ્ઠી મળી હતી. ચિઠ્ઠીમાં કોઈ આર્થિક લેવડ-દેવડનો ઉલ્લેખ કરાયો છે. જે અંતર્ગત રાજેશ અને નારણભાઈ ચુડાસમા તેઓને પૈસાની લેતી દેતીના મામલામાં માનસિક ત્રાસ અને ધાકધમકી આપતા હોવાને કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે એવું લખ્યું હતું. તેમ છતાં સમગ્ર મામલામાં સાંસદ પિતા પુત્રને આરોપી તરીકે જાહેર નહીં કરાતા મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો.
વડી અદાલતના હુકમ બાદ નોંધાઈ ફરિયાદ: અચાનક વેરાવળ પોલીસે ગત તારીખ 15 મી મેના દિવસે ડો. ચગ આત્મહત્યા કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈને આરોપી તરીકે જાહેર કરીને તેની સામે એફ.આઈ.આર નોંધાવી છે. એફ.આઈ.આર નોંધાયા બાદ હવે આગોતરા જામીનને લઈને આવતી કાલે વેરાવળ કોર્ટ કોઈ અંતિમ ચુકાદો આપશે જેના પર સાંસદ પિતા પુત્રની રાજકીય કારકિર્દી નિર્ભર બનતી જોવા મળશે.