જામનગર: શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા અને જુનાનાગના ગામે પોતાની જમીન ધરાવતા હિતેશ પરમાર નામના શખ્સે તેના પરિવારજનોના આક્ષેપ મુજબ બે બિલ્ડર દ્વારા જમીન મામલે વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી. તેના ત્રાસથી કંટાળીને હિતેશ પરમાર નામના વ્યક્તિએ આપઘાત કરી લેતા મૃતકના પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડાને મળીને બંને બિલ્ડરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેના પગલે તાત્કાલિક બંને બિલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
જોકે, સમગ્ર મામલાની મીડિયા અને પોલીસને જાણ થતાં બિલ્ડર રમણભાઈ મોરજરીયા અને કનુભાઈ બોસ સમગ્ર ઘટના અંગેની સત્ય હકીકતો જણાવવા માટે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા. પરંતુ જિલ્લા પોલીસ વડા દ્વારા કોઇ કારણોસર બંને બિલ્ડરોને મુલાકાત આપવામાં આવી ન હતી. ત્યારે બંને બિલ્ડર દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં હિતેશભાઈ પરમારના પરિવારને ન્યાય મળે તેમજ તેમના દ્વારા કોઈ ગેરકાયદેસર કાર્ય કરવામાં આવ્યું હોય તો સજા આપવામાં આવે. જે રીતે મૃતકના પરિવારજનો દ્વારા મોબાઇલ કોલની વાત અને સુસાઇડ નોટ રજૂ કરવામાં આવી છે. તેની ફોરેન્સિક તપાસ કરી સમગ્ર ઘટનામાં સત્ય બહાર લાવવામાં આવે તેવી માંગણી બિલ્ડરો દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં નિર્દોષ હોવાનું રટણ બંને બિલ્ડરો દ્વારા કરવામાં આવ્યું હતું.