કેરીની સીઝન શરૂ થતાં જ વેપારીઓ કાચી કેરીને કાર્બાઇડથી પકવવા માટે અવનવા કિમીયા અજમાવતા હોય છે. આ પ્રકારની કેરી ખાવાથી લોકોનું આરોગ્ય પણ જોખમાય છે. જેને કારણે જામનગરની ફૂડ શાખા એક્શનમાં આવી છે. તેમણે સતત બીજા દિવસે કેરીના ગોડાઉનમાં તપાસ આદરી હતી. જો કે, આ તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ માલ મળી આવ્યો નથી.
અમુક ગોડાઉનમાંથી ખરાબ કેરીનો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. સાથે જ વેપારીઓને કડક સૂચના પણ આપવામાં આવી છે કે, કાર્બાઇડથી કેરી પકવવી નહીં. જામનગર ફૂડ શાખાના દસ જેટલા અધિકારીઓ ચેકિંગ પ્રક્રિયામાં જોડાયા હતા. કેરીની સાથે અન્ય ફ્રુટની પણ તપાસ કરવામાં આવી હતી.