- સુત્રાપાડા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ
- હોદ્દેદારોએ વિકાસ કામો કરવામાં કોઇ કચાશ રહે નહીં તેવી લાગણી વ્યકત કરી
- નવનિયુક્ત સત્તાધીશોએ શહેરને સુવિધાસભર બનાવવાનોનો કોલ આપ્યો
ગીર સોમનાથ: સુત્રાપાડા નગરપાલિકાના 6 વૉર્ડની 24 બેઠકોમાંથી કોંગ્રેસને 4 અને ભાજપએ 20 બેઠકો મેળવી સતા હાંસલ કરી હતી. આજે રવિવારે પાલિકાના હોદ્દેદારોની વરણી કરવા માટે બેઠક મળી હતી. જેમાં સુત્રાપાડા પાલિકા પ્રમુખ તરીકે મણીબેન ગટુરભાઈ કાછેલા, ઉપપ્રમુખ તરીકે જેસીંગ નાથાભાઇ કામળીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ તકે પૂર્વમંત્રી જશાભાઇ બારડ, પાલિકાના પૂર્વપ્રમુખ દિલીપભાઇ બારડ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હારતોરા કરી નવનિયુકત હોદ્દેદારોને આવકાર્યા હતા. હોદ્દેદારોએ સુત્રાપાડા શહેરમાં વિકાસ કામો કરવામાં કોઇ કચાશ રહે નહીં તેવી લાગણી વ્યકત કરી હતી. સુત્રાપાડા પાલિકાના નવનિયુક્ત સત્તાધીશોએ શહેરને સુવિધાસભર બનાવવાનોનો કોલ આપ્યો છે.
આ પણ વાંચો : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી
રાજ્યના માજી કેબિનેટ પ્રધાન જશાભાઈ બારડનો ગઢ
રાજ્યના માજી કેબિનેટ પ્રધાન જશાભાઈ બારડના હોમટાઉન સુત્રાપાડા શહેરમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે એડીચોંટીનું જોર લગાવ્યું હતું. પરંતુ ચૂંટણી ઇન્ચાર્જ દિલીપ બારડની આગેવાનીમાં સુત્રાપાડા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને કોંગ્રેસ માત્ર ચાર બેઠક પર સીમિત રહી ગઈ હતી. આગામી સમયમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ ચૂંટણી ઇન્ચાર્જ દીલીપ બારડે વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસનો કારમો પરાજય
અત્રે નોંધનીય છે કે, ગત ટર્મમાં સુત્રાપાડા નગરપાલિકાની 24 બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસ બન્નેને 12- 12 બેઠકો મળતા ટાઇ સર્જાઇ હતી અને આખરે ચીઠ્ઠીથી ભાજપના પ્રમુખની વરણી થયી હતી. એટલે કે એક તબક્કે કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સુત્રાપાડા નગરપાલિકાની 24 બેઠકો પૈકી 20 બેઠકો પર ભાજપનો જ્વલંત વિજય થયો છે અને કોંગ્રેસનો કારમો પરાજય જોવા મળ્યો છે.
આ પણ વાંચો : કેશોદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી