- 5 દિવસના તહેવારોમાં સોમનાથમાં ઉમટ્યા 1 લાખથી વધુ ભાવિકો
- ટ્રસ્ટને 5 દિવસમાં રૂપિયા 77 લાખથી વધુની આવક
- સોમનાથના અર્થતંત્રને મળી નવી ઊર્જા
ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. દિવાળીના તહેવારોમાં સોમનાથના 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. તેમજ ટ્રસ્ટના તમામ અતિથિગૃહોનું બુકિંગ 100 ટકા થયું છે. સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગ પણ ફૂલ થયા છે. આ પ્રકારે સોમનાથમાં ભક્તોની ભીડને કારણે સોમનાથ ટ્રસ્ટને રૂપિયા 77 લાખ જેટલી આવક થઈ છે.
દર્શન માટે ઓનલાઈન પાસ સિસ્ટમ શરૂ કરાઇ
કોરોના અનલૉક બાદ જ્યારે મંદિર ખુલ્યું ત્યારે સોમનાથમાં આવનારા યાત્રીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોના પ્રુફ દર્શન શક્ય બને તેવી તમામ તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ, પ્રવેશ માટે માસ્ક ફરજિયાત, તેમજ ટેમ્પરેચર ચેક કરનાર મશીન અમલી કરાયા હતા. તેમજ દર્શન માટે ઓનલાઈન પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેથી શક્યતઃ ઓછામાં ઓછા સંપર્ક સાથે ભાવિકો સોમનાથ મહાદેવ ના દર્શન કરી શકે. ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન સોમનાથમાં અંદાજે 1 લાખ થી વધુ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે જ ટ્રસ્ટને આ સમયગાળામાં 77 લાખ જેટલી આવક થઈ હતી. જેમાં 20 લાખથી વધુની સોમનાથ મહાદેવના પ્રસાદની આવક થઈ હતી.
યાત્રીઓએ કર્યા સોમનાથની વ્યવસ્થાના વખાણ
ત્યારે દેશ અને રાજ્યભરમાંથી સોમનાથ દર્શને આવતા યાત્રીઓ પણ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાથી સંતુષ્ટ જોવા મળી રહ્યા છે અને મંદિરમાં દર્શન માટે કરાયેલ વ્યવસ્થાને બિરદાવી રહ્યા છે. સાથે જ સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે કે મહાદેવ આપણા દેશ અને વિશ્વને કોરોનામુક્ત કરે અને જનજીવન પૂર્વવત થાય.
સ્થાનિક વેપારીઓની રોજગારીમાં પણ થયો વધારો
કોરોના કાળમાં તહેવારોમાં સોમનાથ મહાદેવના દર્શને આવતા લોકોને કારણે સ્થાનિક વેપારીઓને પણ રોજગારી મળી છે અને મહિનાઓ બાદ ટ્રસ્ટનું અર્થતંત્ર પણ સચેત થયું છે. જેથી તીર્થમાં દિવાળી બાદ પણ દિવાળીનો માહોલ સર્જાયો છે.