- ગુજરાતના માછીમારી વ્યવસાયને લાગ્યું કોરોનાનું ગ્રહણ
- સૌથી મોટા માછીમારી બંદર વેરાવળથી ETVનો અહેવાલ
- કોરોના મહામારી વચ્ચે માછીમારોને મોટું નુકસાન
- બોટમાં GPS ટેકનોલોજી લગાવવા માટે સબસીડની માછીમારોની માગ
વેરાવળ: ગુજરાતના સૌથી મોટા માછીમારી બંદર વેરાવળથી માછીમારોને 2 સિઝનની માછીમારી નિષ્ફળ ગયા બાદ હવે ત્રીજા વર્ષે માત્ર 50% જેટલી જ બોટો સમુદ્રમાં ફરી છે. કારણકે સતત 2 સિઝન નું નુકશાન અને માથે ચડતું વ્યાજ ઘણા બોટ માલિકોને વ્યવસાય મુકવા મજબુર કરી રહ્યું છે. એમની વેદના એમના શબ્દોમાં સરકાર અને સમાજ વચ્ચે મુકવાનો ઇટીવી ભારતનો પ્રયાસ.
ગુજરાતનું સૌથી મોટું માછીમારી બંદર વેરાવળ
ગુજરાતનું સૌથી મોટું માછીમારી બંદર વેરાવળ અત્યારે સુમસામ ભાસી રહ્યું છે. માછીમારી ઉદ્યોગ ઉપર જાણે કુદરત કોપાયમાન હોય તે રીતે છેલ્લા 2 વર્ષથી એક પછી એક મુશ્કેલી માછીમારી ઉદ્યોગને પારાવાર નુકશાન પહોચાડી રહી છે. ગત વર્ષે વાયુ,મહા અને ક્યારે નામના 3 વિનાશક વાવાઝોડાના કારણે માછીમારી સિઝન બંધ રહી હતી. ત્યારે આ વર્ષે ગયા વર્ષની ખોટ સાથે ઉછી-ઊધારા કરીને જેમતેમ કરી બોટ માલિકોએ બોટોને દરિયામાં મોકલી, પણ કોરોનાની મહામારીને કારણે બોટો પાછી બોલાવવા સરકારે આદેશ કર્યો.
માછીમારોની પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ
માછીમારીની સિઝનતો નિષ્ફળ ગઈ જ હતી, પણ સાથે બહારના રાજ્ય અને જિલ્લામાંથી આવતા બોટના શ્રમિકોને પણ 2 માસ સુધી સાચવી અને તેમના વતન પહોચાડવાનો ખર્ચ પણ માછીમારોને માથે આવ્યો. ત્યારે અનલોક બાદ પણ 50%થી વધુ બોટો દરિયામાં ગઈ જ નથી કારણ કે મોટા ભાગના માછીમારો ગયા વર્ષોની ખોટમાંથી ઉભા થઈ શક્યા નથી .
માછીમારોની માગ
આંતરરાષ્ટ્રીય જળ સીમાને લઈને સરકારના બદલતા નિયમો અને આર્થિક સહાયમાં માછીમારી ઉદ્યોગની બાદબાકી માછીમારી ઉદ્યોગને મૃતપાય કરી રહી છે. માછીમારો 10 લાખ સુધીનું આર્થિક ધિરાણ અને સરકાર દ્વારા બોટમાં GPS ટેકનોલોજી લગાવવા માટે સબસીડી માંગી રહ્યા છે.