ગીર સોમનાથઃ દુનિયાભરમાં આજે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર એશિયામાં સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે કારણ કે સિંહનું સંવર્ધન અને સંરક્ષણ 112 વર્ષ પહેલા 1911માં જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા દ્વારા શરૂ કરાયું હતું. તેમણે સિંહોના શિકારને ગેરકાયદેસર ઠેરવ્યો અને મૃત્યુદંડ સુધીની કડક સજા પણ જાહેર કરી. આઝાદી બાદ વન વિભાગે આ બીડું ઝડપ્યું હતું અને આજદિન સુધી સિંહોના સંરક્ષના કાર્યને યોગ્ય રીતે નિભાવી રહ્યા છે. વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને પેટ્રોલિંગ કરીને પણ સિંહોના શિકાર અને ગેર કાયદેસર સિંહ દર્શન પર અંકુશ મેળવવામાં સફળ રહ્યું છે. 2018માં આ જ પ્રકારના ગુનામાં શામેલ કેટલાક આરોપીને જેલની સજા પણ કરાવવામાં વન વિભાગ સફળ રહ્યું હતું. પરપ્રાંતીય કર્ણાટકની શિકાર ટોળકીએ ગીરના જંગલમાં કેટલાક સિંહોનો શિકાર કર્યો હોવાનું સામે આવતાં જ વન વિભાગ સતર્ક બન્યું હતું અને શિકારની ગતિવિધિમાં શામેલ તમામ શિકારી ટોળકીના સદસ્યોને પકડી પાડીને સિંહોના શિકારીઓ પર સકંજો કસી દીધો હતો.
ગેરકાયદેસર સિંહ દર્શન પર રોકઃ વર્ષ 2018માં ગીરગઢડા નજીક કેટલાક શખ્સો દ્વારા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સિંહોને મરઘીનો શિકાર આપવાની લાલચ બતાવીને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવી રહ્યા હતા. આ પૈકીના મોટાભાગના શખ્સો આજે જેલમાં જોવા મળી રહ્યા છે. સોમનાથ જિલ્લાના પ્રાચી નજીક સિંહનો શિકાર કરવાની ફિરાકમાં ફરતા 30 જેટલા પરપ્રાંતિયોને હથિયારો સાથે પકડીને વન વિભાગે સિંહોના શિકારની સંભવિત ઘટનાને અંજામ આપતા પૂર્વે જ અટકાવી હતી. આજે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને સ્થાનિકોની સહાયને પરિણામે સિંહના શિકાર અને તેની પજવણીની ઘટનાઓ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે.2008 બાદ સિંહોના શિકારની એક પણ ઘટના કે ગતિવિધિ સામે આવી નથી.
કંટ્રોલ યુનિટની સફળ કામગીરીઃ ભવિષ્યમાં પણ વન વિભાગ ટેકનોલોજીના સહારે સિંહોની સુરક્ષાને લઇને વધુ સજ્જ થવાની છે. પરિણામે જંગલના રાજા સિંહની સુરક્ષા વધુ સઘન બની શકશે. સાસણ નજીક પણ સિંહોની સુરક્ષા અને તેની ગતિવિધિ પર 24 કલાક નજર રહી શકે તે માટે કંટ્રોલ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિટને પરિણામે જંગલમાં થતા ગેરકાયદેસરના પ્રવેશને મહદઅંશે ઘટાડી શકાયો છે.