- ગીર-સોમનાથના વેપારીઓએ ધંધો કરવાની માગી છૂટ
- વેપારીઓએ મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર
- વેપારીઓની લોકડાઉનના કારણે આર્થિક પરિસ્થિતી ખરાબ
ગીર-સોમનાથ: ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીને નિયંત્રીત કરવાના હેતુથી રાજ્યના 36 શહેરોમાં રાત્રી કરફ્યુની સાથે આંશિક લોકડાઉ લાદવામાં આવ્યું છે. તા.12 નાં આંશિક લોકડાઉનની અવધી પૂર્ણ થતાં લોકડાઉન તા.18 સુધી લંબાવવામાં આવ્યું છે. આ અંગે સોમનાથ વેપારી મહામંડળ દ્વારા વેરાવળ સોમનાથના જુદા-જુદા એસોસિયેશનના આશરે 400 જેટલા વેપારીઓની સહી સાથે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીતનાને લેખીત રજૂઆત કરવામાં આવી છે.
ધંધો કરવાની છૂટ આપો
હાલમાં જે આંશિક લોકડાઉન અમલમાં છે તેમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના પણ ઘણાં વેપાર-ધંધા શરૂ રાખવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદ્યોગો અને ઓફીસો પણ ચાલુ છે તેના કારણે બજારનાં પચાસ ટકા જેટલા ધંધાઓ ચાલુ છે અને તેના કારણે લોકોની અવર-જવર પુરતા પ્રમાણમાં રહે જ છે પરંતુ સાથે જેમના ધંધા બંધ છે એવા વેપારીઓને આર્થિક મુશ્કેલી ઉભી થઈ છે. આ બાબતે સવાર થી બપોરનાં બે વાગ્યા સુધી તમામ વેપાર ધંધા ચાલુ રાખવાની છુટ આપવી જોઇએ અને બે વાગ્યા બાદ મેડીકલ સ્ટોર દુધની દુકાન અને પેટ્રોલ પંપ સિવાયનાં તમામ વેપાર ધંધા બંધ રાખવા જોઇએ.
આ પણ વાંચો : ડાંગ જિલ્લા વેપારી એસોસિએશન દ્વારા શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કરાયો નિર્ણય
આર્થિક મુશ્કેલીઓ
હાલના આંશિક લોકડાઉનનાં કારણે વેપારીઓના ધંધા બંધ છે તેમને આર્થિક મુશ્કેલી ભોગવવી પડે છે. કોરોના મહામારીનાં કારણે બજારમાં મંદીનું વાતાવરણ છે અને તેમાં પણ ધંધા-રોજગાર બંધ રહેવાથી નાના વેપારીઓને સ્ટાફનો પગાર, પોતાના કુટુંબનો નિર્વાહ અને બેંકમાં લોનના હપ્તા કઇ રીતે ભરવા, દુકાન, મકાન ભાડું, સ્કુલ ફિ, બેંક વ્યાજ જેવા અનેક પ્રશ્નો સતાવે છે.
જિલ્લામાં અસમાનતા
કોરોના સંક્રમણ અટકાવવા સૌથી વધુ ભીડ-ભાડ વાળી શાકમાર્કેટ જેવી બજારને નજીકના મોટા ગ્રાઉન્ડમાં સ્થળાંતરીત કરવા અંગે કરવામાં આવેલા સુચન પર સ્થાનિક તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી થઇ નથી. લોકલ વેપારીઓને એક બાજુ વેપાર ધંધા બંધ રખાવવામા આવે છે જ્યારે ઓન-લાઇનને બધી પ્રકારની છુટ છે. રીટેલ વેપાર પહેલેથી જ ઓનલાઇનની હરીફાઇને કારણે તકલીફમાં છે.
નેતાઓને કરવામાં આવી જાણ
જીલ્લાની અંદાજે દસ લાખની વસ્તી છે જેમાં મૂળ મથક વેરાવળમાં વેપારીઓ લોકડાઉનનુ પાલન કરે છે અને જીલ્લાના અન્ય આઠ લાખ લોકો બેફિકર ધંધા ચાલુ રાખે તે ન્યાય સંગત નથી . આ સમગ્ર પરીસ્થીતીને ધ્યાનમાં લઇ બપોરના બે વાગ્યા સુધી તમામ વેપાર ધંધા ચાલુ રાખવાની માગ કરવામાં આવી હતી. આ રજૂઆતની જાણ પ્રધાનમંત્રી, આરોગ્યમંત્રી, સાંસદ, જીલ્લાના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, સહિતના લોકોને કરવામાં આવી છે.