- જિલ્લામાં ઓક્સિજન બાટલા, ઇન્જેકશનની અછત દૂર કરવા ધારાસભ્યનો પત્ર
- રાજય સરકાર ભેદભાવ રાખતી હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો
- માંગ પૂરી નહી કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી
ગીર સોમનાથ: જિલ્લામાં ઓક્સિજન, ટેસ્ટીંગ કીટ અને ઇન્જેક્શનની તીવ્ર અછત મામલે રાજ્ય સરકાર અને તંત્ર નમાલું પુરવાર થઈ રહ્યુ છે. ત્યારે, સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લામાં પૂરતો ઓક્સિજનનો જથ્થો, ટેસ્ટીંગ કીટો પૂરી પાડવા બાબતે રાજ્ય સરકારને વધુ એક પત્ર લખ્યો છે. જો માંગણી મુજબ, જિલ્લામાં ઓક્સિજન સહિતની જરૂરીયાતી વસ્તુઓની ઘટ પૂરી નહીં થાય તો શહેરના ટાવર ચોકમાં ઉપવાસ આંદોલન પર ઉતરવાની પત્રમાં ચિમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં કોરોનાના કેસ વધ્યા તેમ છતાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ
જિલ્લામાં કોરોનાનો કહેર ચરમસીમાએ
સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રાજ્ય સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર ચરમસીમાએ પહોંચ્યો છે. આથી, જિલ્લાની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પીટલમાં માત્ર ઓક્સિજનની સુવિધાવાળા 70 બેડો જ ઉપલબ્ધ છે. આ બાબતે સ્ટેટ કંટ્રોલરૂમના અધિકારી ધનંજય ત્રિવેદી, એ.બી.પંચાલ સહિતનાઓને ટેલીફોનિક જાણ કરી જિલ્લામાં કોરોના દર્દીઓની જરૂરીયાત મુજબ ઓક્સિજનના બાટલા ફાળવવા ચર્ચાઓ કરેલી હતી. પરંતુ, આ માંગણી કમિટીના સભ્યો માન્ય રાખતા નથી. જેથી, ગીર સોમનાથ જિલ્લા સાથે ભેદભાવ રાખતા હોવાનો અહેસાસ થાય છે.
ઓક્સિજનની માંગણી છતા ફાળવાયેલા નથી
ધારાસભ્યે કહ્યું કે, વેરાવળ સરકારી કોવિડ હોસ્પીટલમાં ઓક્સિજનના બાટલા 3-4 દિવસે મળતા હોવાથી વધુ બાટલા ફાળવવા બાબતે માંગણી કર્યા છતા પણ હજુ તે ફાળવાયેલા નથી. જેથી, જિલ્લામાં કોરોનાના દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્યુને ભેટી રહ્યા હોય તેવી પરિસ્થિતી બેકાબુ બની છે. સરકારી કોવિડ હોસ્પીટલની મુલાકાત દરમિયાન કોરોનાના દર્દીઓની લાઈનો જોવા મળે છે તથા ઓક્સિજનના બાટલાના અછતના કારણે ઘણા દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે મોતને પણ ભેટેલા છે. આજની, પરિસ્થિતી જોતાં જિલ્લામાં સરકારી કે ખાનગી હોસ્પીટલોમાં પ્રતિ દિવસ અંદાજે 5 હજાર ઓક્સિજનના બાટલાની જરૂરીયાત છે. આ બાબતે, ગંભીરતા દાખવી વહેલી તકે ઘટતું કરવા વિનંતી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથના ગોરખમઢી ગામમાં એક જ દિવસમાં સાત લોકોના મોત
રેપિડ કીટો કે દવાઓના સ્ટોકની અછત
કોંગી ધારાસભ્યે વધુમાં પત્રમાં લખ્યું હતું કે, વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી PHC અને CHC સેન્ટરમાં છેલ્લા 5 દિવસથી રેપિડ કીટો કે દવાઓનો સ્ટોક નથી. જે વહેલી તકે પૂરો પાડવો જરૂરી છે. ચુડાસામાએ કહ્યું કે, અમારી માંગણી મુજબ જિલ્લામાં ઓક્સિજન, ઇન્જેક્શનની અછત દૂર કરવામાં નહીં આવે તો કોરોનાની ગાઇડલાઇન મુજબ 144ની કલમને ધ્યાને લઇ મારે ધારાસભ્ય એક જ વ્યકિતએ વેરાવળના ટાવર ચોકમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન ઉપર બેસવાની ફરજ પડશે.