ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા 17 મે પછી 31 મે સુધીનું લોકડાઉન 4ની જાહેરાત કરવામાં આવી હતી. તે 31 તારીખે પૂર્ણ થવા જઈ રહ્યું છે. પરંતુ હજુ પણ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઈને લોકડાઉન 5.0 આવવાની તૈયારી છે. ત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગાંધીનગરના સચિવાલય અને સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં લોકડાઉન 5.0 દરમિયાન રાજ્યના તમામ પ્રધાનો હાજર રહેશે.
ગણતરીના કલાકો માટે જ રાજ્યના પ્રધાનો સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં પોતાની ઓફિસમાં હાજર રહેશે. પરંતુ સંક્રમણના થાય તે માટેના તમામ નિયમો જેવા કે સોશિયલ ડિસ્ટન્સ રાખવુ, માસ્ક પહેરવું અને અમુક ગણતરીના સમયમાં સેનેટરાઈઝર હાથ વારંવાર સાફ કરવા આ તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. આ સાથે જ સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં અરજદારો પણ પ્રવેશ કરી શકશે. તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 60 દિવસથી વધુ દિવસો વીતી ગયા છે અને રાજ્ય સરકારના હુકમ પ્રમાણે તમામ રાજ્યકક્ષાના પ્રધાનો અને કેબિનેટ કક્ષાના પ્રધાનો પોતપોતાના વિસ્તારમાં જાહેર જનતા સાથે છે. ત્યારે હવે ફરી સોમવારથી સચિવાલય ફરી ધમધમતું જોવા મળશે.