જુનાગઢ: કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે, ત્યારે આ વખતે પરિક્રમા અનેક રીતે વિશેષ પણ બનવા જઈ રહી છે. પરંતુ વન વિભાગે અન્નક્ષેત્ર અને ઉતારા મંડળોને પરિક્રમાના માર્ગ પર ભોજન પ્રસાદ બનાવવા માટે લાકડાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
વન વિભાગના આ નિર્ણયને લઈનેે અન્નક્ષેત્ર અને ઉતારા મંડળોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. ગિરનાર પરિક્રમા દરમિયાન 250 કરતાં વધુ અન્નક્ષેત્રો જંગલ વિસ્તારમાં 24 કલાક ધમધમતા હોય છે, ત્યારે લાકડાની જગ્યા પર ગેસના વપરાશને ફરજિયાત બનાવતા અન્નક્ષેત્ર સંચાલકોએ પણ વન વિભાગ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
અન્નક્ષેત્રો લાકડાનો ઉપયોગ નહીં કરી શકે વન વિભાગનું ફરમાન
કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે, 12 તારીખ અને મંગળવારથી શરૂ થતી આ પરિક્રમા 15 તારીખ અને શુક્રવારે પૂર્ણ થશે, ત્યારે પરિક્રમામાં આવનાર લાખોની સંખ્યામાં પરિક્રમાથીઓ માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા અન્નક્ષેત્રો અને ઉતારા મંડળો દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે વન વિભાગે અન્નક્ષેત્રો અને ઉતારા મંડળોને ભોજન પ્રસાદ બનાવવા માટે લાકડાના ઉપયોગ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવી દીધો છે. જેના પગલે અન્નક્ષેત્રના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 250 કરતાં વધુ અન્નક્ષેત્રો જંગલ વિસ્તારના પરિક્રમા ના 36 કિલોમીટરના માર્ગ પર દિવસ રાત ધમધમતા હતા પરંતુ આ વખતે લાકડાના ઉપયોગને પ્રતિબંધિત કરાતા અન્નક્ષેત્રોના સંચાલકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
એક સાથે ગેસના સિલિન્ડર એકઠા કરવા મુશ્કેલ: અન્નક્ષેત્ર અને ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા ઈ ટીવી ભારત સાથે વાત કરી હતી અને વન વિભાગના આ તઘલઘી ફરમાન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો વન વિભાગ આટલી મોટી સંખ્યામાં ગેટના સિલિન્ડરો પુરા પાડવાની વિનંતી પણ કરી હતી અન્નક્ષેત્ર દાતાઓ દ્વારા આપવામાં આવતા અનુદાનમાંથી ચાલતા હોઈ છે, જેમાં દાન તરીકે બળતણના લાકડા સમગ્ર ગુજરાતમાંથી મેળવીને પરિક્રમાના માર્ગ પર લાવવામાં આવતા હોય છે.
પરંતુ વન વિભાગે ગેસ સિલિન્ડરને ફરજિયાત બનાવતા પરિક્રમાના દિવસો દરમિયાન 15 હજારની આસપાસ ગેસના સિલિન્ડર અને આટલી જ સંખ્યામાં ગેસના બર્નરો પણની જરૂરિયાત ઊભી થતી હોય છે, જુનાગઢ જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડર પાંચ દિવસ દરમિયાન પરિક્રમા માટે ઉપલબ્ધ થાય તેવી એક પણ શક્યતા નથી. જેની સામે ભાવેશ વેકરીયા એ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાકિદે વન વિભાગનું આ ફરમાન પરત લેવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી છે
વન વિભાગે માહિતી ખાતા દ્વારા મોકલી વિગત: આગામી પરિક્રમાને લઈને અન્નક્ષેત્ર અને ઉતારા મંડળો માટે ગેસના સિલિન્ડર ફરજિયાત બનાવીને લાકડાના ઉપયોગને સંપૂર્ણ પ્રતિબંધિત જાહેર કર્યો છે. આ પ્રકારની માર્ગદર્શિકા જુનાગઢ માહિતી વિભાગ દ્વારા સર્વે માધ્યમોને મોકલવામાં આવી છે જેમાં લાકડાના ઉપયોગને પ્રતિબંધિત કરીને તેની જગ્યા પર ગેસનો ઉપયોગ કરવો. જે અન્નક્ષેત્રો ગેસનો ઉપયોગ કરવાને લઈને પોતાની સહમતી નહીં આપે તેવા અન્નક્ષેત્રને મંજૂરી આપવામાં નહીં આવે. વધુમાં અન્નક્ષેત્રો દ્વારા જે કચરો થાય છે તેને પણ જંગલ અને પરિક્રમાના માર્ગથી સ્વખર્ચે દૂર કરવાનો રહેશે. તે પ્રકારનો આદેશ પણ કરાયો છે.