ગાંધીનગર : શૈક્ષણિક વર્ષ 2027-28 સુધીમાં ગુજરાતમાં 27,000 થી વધુ શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે. સામે રાજ્ય સરકાર ધીમે ધીમે નવા શિક્ષકોની ભરતી કરી રહી છે. આ સમય દરમિયાન જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતીની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના બાળકો ખેલ મહાકુંભમાં અને ઓલમ્પિકમાં સ્થાન મેળવી શકે તે માટે કોન્ટ્રાક્ટ પર ખેલ સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જ્યારે આ યોજના મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત 2027-28 સુધી જ અમલી રહેશે.
સત્તાવાર જાહેરાત : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને આ અંગે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યની 300 કે તેથી વધુ સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખેલ સહાયકની ભરતી કરવામાં આવશે. જે અંતર્ગત કરાર આધારિત અંદાજિત 5,075 જેટલા ખેલ સહાયકની ભરતી કરવામાં આવશે. કરાર આધારિત ખેલ સહાયકને માસિક 21000 રૂપિયા પગાર પણ ચૂકવવામાં આવશે.
ઉમેદવારની લાયકાત : શિક્ષકોની ભરતી માટે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ઉમેદવારોએ ખેલ સહાયક માટે ખેલ અભિરુચિ કસોટી પણ આપવાની રહેશે. જ્યારે ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અને C.P. Ed, D.P. Ed, B.P. Ed, B.A yoga અથવા B.Sc in Yoga ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ઉપરાંત ઉંમર મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવાનો ક્રાઇટ શિક્ષણ વિભાગ દ્વારા રાખવામાં આવ્યો છે.
પસંદગી પરીક્ષા : પસંદગી પરીક્ષામાં નેગેટિવ માર્કિગ નહીં પરંતુ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન બેઝ પરીક્ષા રાખવામાં આવશે. ઉમેદવારોએ 90 મિનિટમાં વિવિધ હેતુલક્ષી 100 પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. જ્યારે 100 ગુણમાંથી 70 ગુણ રમત-ગમત સાથે સંકળાયેલા જ્ઞાન આધારિત, 20 ગુણ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો અને 10 ગુણ સામાન્ય જ્ઞાન બાબતના હશે. આ ઉપરાંત આ પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય માધ્યમમાં યોજાશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત 11 માસના સમયગાળાને ધ્યાનમાં લઈને જ્ઞાન સહાયકની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારના પરિપત્ર મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ-2 પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવાર જ્ઞાન સહાયક તરીકે ભરતી થઈ શકશે. તેઓને શૈક્ષણિક વર્ષ 2023-24 માટે 21 હજાર રૂપિયાનું માનદ વેતન નક્કી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને તમામ વિષયનું સારું જ્ઞાન મળી શકે તેને ધ્યાનમાં લઈને જ જ્ઞાન સહાયક યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ યોજના પાંચ વર્ષ એટલે કે વર્ષ 2027-28 સુધી જ કાર્યરત રાખવામાં આવશે.