બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરામાંથી ઉઠેલો વિરોધ સૂર શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે આજે સોમવારે ધાનેરા વાસીઓ વાંધા અરજીઓનો થપ્પો લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, અને કલેકટર કચેરી ગજવી હતી. લોકોએ 'થરાદ-વાવ નથી જવું બનાસમાં જ રહેવું છે' તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
1 જાન્યુઆરી 2025થી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, ત્યારથી જ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના લોકો બનાસકાંઠામાં જ રહેવા માટેની સતત માંગ કરી રહ્યા છે, એટલું જ નહીં તેઓએ આવેદનપત્રો આપ્યા, ધરણા કર્યા અને ગામેગામ વિરોધ નોંધાવી સરકાર સમક્ષ પોતાની માંગ પહોંચાડી છે. ઉત્તરાયણના સમયે લોકોએ મુખ્યમંત્રીને પતંગ સંદેશ મોકલીને ધાનેરાના લોકોની માંગ વહેલી તકે પૂર્ણ કરવા માટેની એક અનોખી રજૂઆત પણ કરી હતી, તેમ છતાં આજ દિન સુધી ધાનેરાવાસીઓની માંગ સંતોષાઈ નથી.
આજે પાલનપુર કલેકટર કચેરી ખાતે ધાનેરાના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. તેઓ પાંચ હજાર જેટલી વાંધા અરજીઓનું એક પોટલું લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેમણે કલેકટર સમક્ષ પાંચ હજાર જેટલી વાંધા અરજીઓ તેમજ સરપંચો દ્વારા કરેલા ઠરાવો પણ કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા, તેમણે કલેક્ટરને રજુઆત કરી હતી કે, તેમણે થરાદ માફક પડે તેમ નથી માટે તેમણે બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી માંગ સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી છે.
પાલનપુર કલેકટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચેલા યુવાનોએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે, તેઓ બાપ-દાદાઓના સમયથી વર્ષોથી બનાસકાંઠા સાથે સંકળાયેલા છે, ભૌગોલિક પરિસ્થિતિ, શૈક્ષણિક, મેડિકલ તેમજ વ્યવસાયિક રીતે અને સામાજિક રીતે પણ તેઓ બનાસકાંઠાથી જોડાયેલા છે, જેથી તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. - નિલેશભાઈ પીથાણી, સ્થાનિક
''બનાસકાંઠા જિલ્લાના સરકારે બે ભાગ પાડ્યા છે, ત્યારથી જે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેની માંગ વધુને વધુ ઉગ્ર બની રહી છે, સ્થાનિક લેવલે ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યા બાદ લોકો હવે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા છે. જોકે અમદાવાદ નવસારી અને સુરતમાં રહેતા ધાનેરાના લોકોએ પણ આ મુદ્દે વિરોધ નોંધાવીને આવેદનપત્રો આપ્યા છે. બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને વિભાજન કરવામાં આવ્યું છે, તે અમે સ્વીકારીએ છીએ પરંતુ ભૌગોલિક પરિસ્થિતિએ શૈક્ષણિક રીતે તેમજ સામાજિક રીતે અમે લોકો પાલનપુર એટલે કે બનાસકાંઠાથી સંકળાયેલા છીએ એટલે અમને થરાદ બહુ જ દૂર પડશે અને તે લાંબુ અંતર પડશે. ત્યારે સરકારને અમારી માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે. આજે અમે સર્વ સમાજના લોકોની સ્વેચ્છાએ અને સંમતિથી કલેક્ટર સમક્ષ પાંચ હજાર જેટલી વાંધા અરજીઓ રજૂ કરી છે. અમારી સૌની એકજ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખવામા આવે અને અમને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે'. - ભાવેશભાઈ ભડેચિયા, સ્થાનિક
અમેછેલ્લા 26 થી 27 દિવસથી સર્વ સમાજ દ્વારા આંદોલન કરી રહ્યાં છે કે, અમારે બનાસકાંઠામાં રહેવું છે, તેવી માંગ કરી રહ્યા છીએ પરંતુ જાણે સરકાર બહેરી થઈ ગઈ છે, ખબર નહિં સરકાર પર શું દબાણ છે. કેમ નિર્ણય નથી લેતી આજે 80 ટકા જેટલા લોકો બનાસમાં રહેવા માટેની માંગ કરી રહ્યા છે. સરકારે લોકશાહી ઢબે લોકોની વાત સાંભળવી જોઈએ અને યોગ્ય નિર્ણય કરવો જોઈએ, નહીં તો આગામી દિવસોમાં વિધાનસભામાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે આજે અમે પાંચથી છ હજાર જેટલી વાંધા અરજીઓ લઈને અમે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા છીએ જે લોકો બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરી રહ્યા છે. -કીર્તિભાઈ ખાપરોલા, સ્થાનિક
મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા તાલુકાના લોકો થરાદ-વાવ જિલ્લામાં જવાનો વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી સરકારે ધાનેરાના લોકોની માંગ સ્વીકારી નથી. બીજી તરફ ધાનેરાના લોકો સર્વ સમાજ અને તમામ રાજકીય પાર્ટીના આગેવાનો પણ બનાસકાંઠામાં જ રહેવા માટેનું સમર્થન આપતા હોવાનું જણાવી રહ્યા છે.