અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ 2025-26નું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને AMTSનું 705 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. જેમાં આવનારા દિવસોમાં 445 નવી એસી બસોનો ઉમેરો કરવામાં આવશે. આ સાથે ચાર નવી ડબલ ડેકર બસોનો પણ ઉમેરો થશે. આની સાથે વિધવા બહેનોને ટિકિટ માં 50% અને રાહતની જાહેરાત કરવામાં આવી છે અને ધોરણ 10 પછી વિદ્યાર્થિનીઓ માટે 85% ટિકિટ રાહતની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. આ સાથે એમ.જે લાઈબ્રેરી તથા વી.એસ હોસ્પિટલનું પણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
1947થી અમદાવાદમાં AMTS બસોનું સંચાલન
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના 2025-26ના બજેટ અંગેની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ધરમશીભાઇ દેસાઇ જણાવ્યું હતું કે, જાહેર પરિવહન ક્ષેત્રમાં સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત અમદાવાદમાં તા. 1 એપ્રિલ 1947થી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ 112 બસો અને 38 રૂટો સાથે શરૂ કરવામાં આવેલી. જેનો વ્યાપ આજે વધીને દૈનિક અંદાજીત 764 બસો અને 164 ઓપરેશનલ રૂટોથી અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં અ.મ્યુ.ટ્રા.સ.ની બસોનું સંચાલન કરવામાં આવે છે. અમદાવાદ શહેરનો વિસ્તાર 480.88 ચો.કી.મી.થી વધીને 505 ચો.કી.મી.નો થવાથી ઔડાના ગામો જેવા કે પૂર્વમાં મહેમદાવાદ, બારેજડી, પશ્ચિમમાં સાણંદ, મટોડા પાટીયા, સાઉથ બોપલ, શેલા, મોટી ભોયણ, થોળ, ત્રિમંદિર, મેડાઆદરજ, ઉત્તરમાં કલોલ, વહેલાલ, ડભોડા, દહેગામ, દક્ષિણમાં વાંસજડા, બાકરોલ, સરીગામ, બાવળા વિગેરે ગામડાઓમાં પણ એ.એમ.ટી.એસ.ની બસ સુવિધા આપવામાં આવે છે.
AMTSના બજેટની મુખ્ય વાતો
- અમદાવાદ શહેર તથા આસ-પાસના ગામડાઓમાંથી નવા રૂટો શરૂ કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં લેતાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સૂચવેલા કુલ 1172 બસના ફ્લીટમાં વધુ 100 નવી મિની એ.સી. સી.એન.જી. બસો ગ્રોસ કોસ્ટ કિલોમીટરથી મેળવીને ફ્લીટની સંખ્યા કુલ 1272 કરવાનો ઠરાવ કરાયો છે. વર્ષ 2025-26માં કુલ 445 નવી એ.સી. બસોનો ફલીટમાં ઉમેરો કરાશે.
- 16મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ.8 કરોડ મેળવીને વધુ 4 ઇલેકટ્રીક એ.સી. ડબલડેકર બસો કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ મેન્યુફેકચરર પાસે ખરીદવાનો ઠરાવ કરાયો છે.
- શ્રાવણ માસની જેમ દર શનિવાર અને રવિવારે સ્પેશીયલ રેટથી ધાર્મિક પ્રવાસનું આયોજનનો ઠરાવ કરાયો છે.
- અમદાવાદ શહેરમાં ધોરણ 10 પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ટીકીટ દરમાં 85% ડિસ્કાઉન્ટ આપવાનો ઠરાવ કરાયો છે.
- અમદાવાદ શહેરમાં ધોરણ 10 પછી અભ્યાસ કરતાં માતા-પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના શરૂ કરવાનો ઠરાવ કરાયો છે.
- અમદાવાદ શહેરમાં રહેતા વિધવા બહેનોને ટીકીટ દરમાં 50% રાહત આપવાનો ઠરાવ કરાયો છે.
- સ્માર્ટ બસ શેલ્ટર પાસે પી.પી.પી. ધોરણે જરૂરીયાત મુજબ સ્માર્ટ ટોઇલેટ તૈયાર કરવાનો ઠરાવ કરાયો છે.
- 16માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ.૨ કરોડ મેળવીને એ.એમ.ટી.એસ. દ્વારા સંચાલનમાં આવતી દરેક બસમાં પ્રવાસીઓને ટીકીટીંગ મશીન ખરીદી તેના દ્વારા ટીકીટો આપવાનો ઠરાવ કરાયો છે.
- દરેક ટર્મિનસમાં રીફ્રેશમેન્ટ કાઉન્ટર/ વેન્ડીંગ મશીન દ્વારા શરૂ કરવાનો ઠરાવ કરાયો છે.
- AMTS, BRTS અને મેટ્રો રેલની ટીકીટનું ઇન્ટીગ્રેશન કરવામાં આવશે.
- સરસપુર વિસ્તારમાં આવેલ ITI સરસપુરનો પ્લોટ હાલમાં ખાલી છે. સરકાર પાસેથી આ પ્લોટ બસ ટર્મિનસનો હેતુ માટે મેળવવાની કાર્યવાહી કરાશે.
- અમદાવાદ શહેરના 77 કિ.મી.ના આઉટર રીંગરોડ ઉપર બસોના નાઈટ પાર્કીંગ/ મેઇન્ટેનન્સ માટે 6 ટર્મિનસ તૈયાર કરાશે. આ માટે રૂ.12 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવાનો ઠરાવ કરાયો છે.
- શહેરના વધતા વિસ્તારમાં બસોને કન્ટ્રોલીંગ કરવા પી.પી.પી. ધોરણે કન્ટ્રોલ કેબિન ઉભી કરવાનો ઠરાવ કરાયો છે.
- મેઘાણીનગર, એસ.પી. કોલેજ ડમરૂ સર્કલ પાસે આવેલી જગ્યાની કલેકટર પાસે માંગણી કરી ટર્મિનસ બનાવવાની કાર્યવાહી કરવી. આ માટે રૂ.1 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવાનો ઠરાવ કરાયો છે.
આ પણ વાંચો: