ગાંધીનગર : રાજ્યમાં પોલીસ અને જનતાની સુરક્ષા માટે સરકાર દ્વારા નેત્રમ અને વિશ્વાસ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના તમામ રોડ રસ્તાઓ, કોર્પોરેશન, જિલ્લાના રોડ રસ્તાઓ પર સીસીટીવી નેટવર્ક મુકવામાં આવ્યુ છે ત્યારે રોડ રસ્તાઓ તો ઠીક પણ હવે તો પોલીસ સ્ટેશનના સીસીટીવી બંધ હાલમાં હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાતના કુલ 34 જેટલા પોલીસ સ્ટેશનના 149 સીસીટીવી બંધ પરિસ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે.
કયા જિલ્લામાં કેટલા પોલીસ સ્ટેશનના સીસીટીવી બંધ : સીસીટીવી અંગેના આ જે આંકડાઓ છે અમદાવાદ શહેરમાં 03, અમરેલીમાં 02, અરવલ્લીમાં 01, ખેડામાં 01,ગાંધીનગરમાં 01,છોટા ઉદેપુરમાં 02,જૂનાગઢમાં 01,દાહોદમાં 01,દેવભૂમિ દ્વારકામાં 01,નર્મદામાં 01,પશ્ચિમ કચ્છ ભુજમાં 01,પોરબંદરમાં 01,બનાસકાંઠામાં 03,બોટાદમાં 01, ભરૂચમાં 02,મહીસાગરમાં 01,મોરબીમાં 02,રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 03, વલસાડમાં 01,સાબરકાંઠામાં 01,સુરતમાં 01, સુરેન્દ્રનગરમાં 04 અને પંચમહાલ તથા ગોધરામાં 01 સીસીટીવી બંધ હાલતમાં છે.
કયા કારણોસર CCTV : બંધ ગુજરાતના પોલીસ સ્ટેશનના સીસીટીવી બાબતે રાજ્યના ગૃહવિભાગે જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ સ્ટેશનમાં કુલ 149 જેટલા સીસીટીવી કેમેરા બંધ પરિસ્થિતિમાં છે જે પૈકી 101 જેટલા સીસીટીવી જેમાં હજુ વોરંટી હેઠળ છે જે ચાલુ કરવામાં આવ્યા છે, પણ 48 કેમેરા હજુ બંધ પરિસ્થિતિમાં છે. પોલીસ સ્ટેશન અને કેમેરાના શિફટિંગના કારણોસર બંધ છે. આ સીસીટીવી શરૂ કરાવવા માટે ગૃહ વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. જે ટૂંકસમયમાં સત્વરે કાર્યરત કરવામાં આવશે.
શું છે ગૃહવિભાગનો નેત્રમ પ્રોજેકટ : ગૃહ વિભાગના નેત્રમ પ્રોજેકટની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તમામ શહેર જિલ્લા અને પવિત્ર યાત્રાધામમાં 7000 જેટલા CCTV નેટવર્ક છે. નેત્રમ પ્રોજેકટ એ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગતનો પ્રોજેકટ છે. આ પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યના 34 જિલ્લાઓ, 6 પવિત્ર યાત્રાધામ, 41 શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ, ટ્રાફિક જંકશન અને અન્ય સ્ટ્રેટેજીક સ્થળોએ 7000 થી વધુ CCTV કેમેરા લગાવીને નેત્રમ પ્રોજેકટ અંતર્ગત District Level Command & Control Connectivity ) સાથે જોડવામાં આવ્યા છે. જ્યારે તમામ જિલ્લાઓના નેત્રમને ગાંધીનગર DGP ઓફિસ ખાતે ત્રિનેત્ર સાથે જોડાણ કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના 684 પોલીસ સ્ટેશન અને 10,000 જેટલા બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન બેઝડ કેમેરા સિસ્ટમને ત્રિનેત્ર સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. જેથી ડીજીપી ઓફિસ, સીએમ ડેસ્ક બોર્ડ પર સીધું મોનીટરીંગ થઈ શકે છે.
ફક્ત એક જ તબક્કો પૂર્ણ : ગુજરાત રાજ્યમાં સીસીટીવી કેમેરાના નેટવર્ક અંતર્ગત 7000 જેટલા સીસીટીવી લગાવીને રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. જ્યારે બીજા તબક્કામાં વધુ 10,000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 7000 સીસીટીવી કેમેરાના નેટવર્કથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 6200થી વધુ ગુનાઓનો અને 950થી વધુ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.
7000 સીસીટીવી કેમેરા અપૂરતા : કેન્દ્રીય ગૃહ અને સહકાર અમિત શાહે 23 જુલાઈ 2022ના રોજ NFSU ખાતે ઓનલાઈન એફઆઈઆરનું લોન્ચિંગ કર્યા બાદ રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેમાં જણાવ્યું હતું કે 7000 સીસીટીવી કેમેરા પૂરતા કેમેરા નથી. જ્યારે આવનારા દિવસમાં રાજ્ય સરકાર રાજ્યના તમામ ધાર્મિક સ્થળો અને તમામ ખાનગી સોસાયટીઓમાં, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેન્ડના સીસીટીવી કેમેરાને પણ નેત્રમમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. જેથી તાત્કાલિક ધોરણે કોઈપણ ઘટનાને રોકી શકાય આ ઉપરાંત રાજ્યના બંદરોને પણ સીસીટીવીથી સજ્જ કરીને આ સમગ્ર નેટવર્કનું પ્રસારણ કંટ્રોલ સેન્ટર ખાતે થાય તેવી સૂચના આપી હતી.