આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે કૃષિ નુકસાન અંગેની બેઠકનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું હતું. જેમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં કુલ પાંચ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં ત્રણ લાખ હેક્ટરનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જ્યારે રાજ્ય સરકાર પણ વીમા કંપનીઓના સતત સંપર્કમાં છે અને વહેલી ઝડપે સર્વે પૂર્ણ થાય તે માટેના પણ રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે.
કૃષિ વિભાગને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે, જ્યારે રાજ્યમાં જે ખેડૂતોએ પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતને પણ સહાય મળશે તેવી પણ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી. જ્યારે ખેડૂતોને થયેલા નુકસાનની અંગેની ચુકવણીની પણ રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે.
જ્યારે આવતા બુધવારે મળનારી કેબિનેટ બેઠક પહેલા કૃષિ વિભાગને રાજ્ય સરકારે સૂચના આપી છે કે જ્યારે બુધવારે કેબિનેટ બેઠક મળે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ નુકશાનીનો સંપૂર્ણ સર્વે આંકડા સાથે મુકવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.