ગાંધીનગરઃ રક્તપિત્ત રોગનું પ્રમાણ ઘટે અને નાગરિકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ અભિયાનો ચલાવી રહી છે. ગુજરાત સરકાર પણ આ રોગના નિર્મૂલન અને દર્દીઓની ઝડપી અને સઘન સારવાર થાય તે માટે અનેક પ્રયાસો કરી રહી છે. જે અનુસંધાને રાજ્ય સરકાર ગુજરાતના 22 જિલ્લાઓના 141 તાલુકાઓમાં 'લેપ્રસી ડિટેક્શન કેમ્પેન' યોજશે. આ કેમ્પેન વર્ષ 2024ના પ્રથમ દિવસથી એટલે કે 1લી જાન્યુઆરીથી શરુ થશે અને 19મી જાન્યુઆરી સુધી ચાલશે.
21000થી વધુ દર્દીઓ સાજા થયાંઃ રક્તપિત્ત(લેપ્રસી)ના દર્દીઓને સામાન્ય રીતે સમાજમાં ઉપેક્ષાનો ભોગ બનવું પડતું હોય છે. તેમની સાથે ભેદભાવપૂર્વકનું વર્તન પણ કરવામાં આવે છે. આ સ્થિતિને દૂર કરવા માટે સરકાર પ્રયાસો કરતી હોય છે. જે અંતર્ગત વર્ષ 1955માં રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ ગુજરાતમાં અમલી બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1983માં મલ્ટી ડ્રગ્સ ક્યોર સીસ્ટમ શરુ થતાં જ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમનું અમલીકરણ શરુ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષ 2018થી અત્યાર સુધી અંદાજિત 21,000થી વધુ દર્દીઓએ રક્તપિત્ત રોગમાંથી મુક્તિ મેળવી છે.
22 જિલ્લામાં કેમ્પેન ચાલશેઃ રાજ્યના આણંદ, ભાવનગર, ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ અને તાપી એમ કુલ 22 જિલ્લાઓમાં આ કેમ્પેન ચાલશે. આ 22 જિલ્લાના કુલ 141 તાલુકાને આવરી લેવાશે. આશા બહેનો અને પુરુષ વોલિયન્ટર્સ ઘરે ઘરે જઈને આ રોગ વિશે જાગૃતિ ફેલાવશે. જો આ રોગના લક્ષણો કોઈ નાગરિકમાં જણાશે તો તેને સારવાર અર્થે પ્રાથમિક આરગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જરુર જણાય તો મોટી હોસ્પિટલ્સમાં પણ મોકલવામાં આવશે.