ગાંધીનગર : ગયા મહિને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર અદાણી મુદ્દે આક્ષેપ કર્યો હતો. જેમાં અદાણીને પાવર પરચેઝ એગ્રીમેન્ટના નામે રાજ્ય સરકારે 3,900 કરોડ રૂપિયાની એડવાન્સમાં ચૂકવણી કરી છે તેવું જણાવાયું હતું. આજે ફરી આ મુદ્દે કોંગ્રેસે વિધાનસભા ગૃહ શરૂ થાય તે પહેલા રાજ્ય સરકાર અને અદાણી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
વિધાનસભાના પગથિયે વિરોધ પ્રદર્શનઃ કૉંગ્રેસના નેતાઓ દ્વારા રાજ્ય સરકારનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. જેમાં અદાણી અને રાજ્ય સરકાર વચ્ચે સાંઠગાંઠના નારા લગાવવામાં આવ્યા હતા. બેનર પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. બેનરમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતને બદલે ગવર્મેન્ટ ઓફ ગૌતમ લખીને વિરોધ કરાયો હતો. રાજ્ય સરકારે વીજ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન શા માટે કર્યુ તેવા વેધક પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા.
કૉંગ્રેસનો આક્ષેપઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમાં પણ ડબલ એન્જિન સરકાર દ્વારા સામાન્ય ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરે તો સરકાર એમ કહે છે કે અમારી પાસે બજેટ નથી, કોઈ વિધવા બેન, વૃદ્ધ અથવા તો વિકલાંગ પોતાના પેન્શન વધારવાની વાત કરે તો સરકાર કહે છે કે એના માટે બજેટ નથી એસસી-એસટી-ઓબીસી અને માઈનોરીટી ના બોર્ડ અને નિગમોમાં ફંડ ફાળવવાનું હોય તો સરકાર પાસે બજેટ નથી. ગરીબ વિસ્તારોમાં રસ્તા બનાવવાના હોય સ્કૂલના ઓરડા બનાવવાના હોય ભૌતિક સુવિધાઓ આપવાની હોય શિક્ષકોની કાયમી ભરતી હોય તો એમાં પણ સરકાર પાસે બજેટ નથી.
રાજ્ય સરકાર મોદી-અદાણી ભાઈ-ભાઈ હોય તેવી નીતિથી કામ કરી રહી છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત નહીં પરંતુ ગવર્મેન્ટ ઓફ ગૌતમ ચાલી રહી છે. ગુજરાત સરકારે 3900 કરોડ રૂપિયા રકમ અદાણીની કંપનીઓને પાવર પરચેઝ એગ્રીમેન્ટના નામે એડવાન્સમાં ચૂકવી દીધી છે. વારંવાર કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે આ પૈસા કેમ આપવામાં આવ્યા છે ? કયા સંજોગોમાં આપવામાં આવ્યા છે? તમે કોઈ વીજળીનો બિલ ખેડૂતોનું બાકી હોય તો એના ઉપર 18 ટકા વ્યાજ ગણો છો તો આટલી મોટી રકમ અદાણી કંપનીને એડવાન્સમાં કેમ આપી અને આ રકમ પાછી લેવા માટે કોઈ કાર્યવાહી કેમ નથી કરતા?... અમિત ચાવડા(વિપક્ષ નેતા, કૉંગ્રેસ)
વિધાનસભામાં પણ ચર્ચા થશેઃ આજે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. સામાન્ય લોકો પોતાના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે. ગરીબો, શ્રમિકો, ખેડૂતો,વિધવા બહેનો, આંગણવાડીની બહેનો કે પછી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની સહાય માટે ફાળવાતા બજેટમાંથી અદાણી જેવી કંપનીઓને એડવાન્સમાં 3900 કરોડ રૂપિયાની ચુકવણી થાય છે તે અયોગ્ય છે. આ મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠાવાશે.