ગાંધીનગરઃ ગુજરાત સરકાર સમયાંતરે ભલે સ્માર્ટ સ્કૂલ અને પ્રવેશોત્સવ જેવા દાવા કરીને પોતાના કોલર ઊંચા કરે. પણ સરકારમાં જ રહેલા આઈએસ અધિકારીએ સરકારી શાળામાં વિદ્યાર્થીઓના જ્ઞાનનું સ્તર વગર માપપટ્ટીએ માપી લીધું છે. એટલે સવાલ એ થાય છે કે, સિસ્ટમ ઊઠા ભણાવે છે કે, ખરેખર શિક્ષણમાં કંઈક ખૂટે છે? સરકાર દ્વારા નવા શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ 12 તારીખથી 14 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
જવાબદારી સોંપાઈ હતીઃ રાજ્યના શિક્ષણ વિભાગ ઉપરાંત તમામ IAS, IPS, IFS, જિલ્લા કલેકટર અને તમામ પ્રધાનોને શાળા પ્રવેશોત્સવનું જવાબદારી સોંપવામાં આવી હતી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી હતી કે સારું નહીં પણ જે સાચું હોય તે જ રિપોર્ટિંગ કરજો. જેમાં અમદાવાદના પૂર્વ કલેકટર અને હાલમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરમાં ફરજ બજાવતા આઈએએસ અધિકારી ધવલ પટેલે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ વિભાગની પોલ ખોલી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
વરવી વાસ્તવિકતાઃ ડોક્ટર ધવલ પટેલે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અરીસો બતાવ્યો હોય તેવું લેટરમાં સ્પષ્ટપણે લખ્યું છે. છોટાઉદેપુરની ટીમલા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ છૂટક છૂટક અક્ષરો વાંચે છે. શબ્દ પણ વાંચી શકતા નથી. જ્યારે એક આંકડાના સરવાળામાં પણ ધોરણ આઠમાં ધોરણનો વિદ્યાર્થી આંગળીના વેઢાનો ઉપયોગ કરે છે. આમ ગણિતમાં કાચા છે. અમુક ગણિતના પ્રશ્ન પૂછતા મારા હૃદયના પાટિયા પણ બેસી ગયા.
કેવું શિક્ષણઃ તેઓ પણ પત્રમાં ઉલ્લેખ કરે છે કે, આમ આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે અન્ય કોઈ વિકલ્પ નથી. જેથી આપણે એમને આ પ્રકારનું શિક્ષણ આપીને તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ. એ હોવાનો ઉલ્લેખ ધવલ પટેલે તેમના પત્રમાં લખ્યો હતો. ડોક્ટર ધવલ પટેલને છોટાઉદેપુર જિલ્લાની અમુક શાળામાં શાળા પ્રવેશો માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.
જવાબમાં થઈ માપણીઃ જેમાં તેઓએ ટીમલા પ્રાથમિક શાળા, રંગપુર પ્રાથમિક શાળા, બોડગામ પ્રાથમિક શાળા વઢવાણ પ્રાથમિક શાળા, જામલી પ્રાથમિક શાળા, અને રાણીખેડા પ્રાથમિક શાળા કે જે તમામ શાળાઓ છોટાઉદેપુર જિલ્લાની છે. તે તમામ શાળાઓમાં શાળા પ્રવેશો કરાવ્યો હતો. જેમાં ગણિત ગુજરાતી અને સામાન્ય જ્ઞાન જેવા પ્રશ્નો બાળકોને કર્યા હતા. ક્યાંયથી સાચો જવાબ મળ્યો ન હતો. ફક્ત એક રંગપુર પ્રાથમિક શાળામાં જ બાળકો સાચો જવાબ આપી શક્યા હતા.
સરકારના પ્રવક્તાનું નિવેદનઃ ડોક્ટર ધવલ પટેલનો લેટર વાયરલ થયા બાદ રાજ્યના પ્રવક્તા પ્રદાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. રાજ્ય સરકાર તમામ વિસ્તારોમાં શિક્ષણ આપવાનો અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવાનો સરકાર પૂરેપૂરો પ્રયત્ન કરે છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ પણ અત્યારે પણ સ્પષ્ટ કહ્યું હતું કે, મારે કોઈ સારી વાત સાંભળવી નથી. સાચી વાત સાંભળવી છે. જ્યાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય મુશ્કેલીઓ હોય તે પ્રકારનું રિપોર્ટિંગ કરશો.
સૂચનાઓનું પાલન કરાશેઃ આગામી સમયમાં નાની મોટી તકલીફો માલુમ પડી છે. સમગ્ર બાબતે ડૉ. ધવલ પટેલે જે પણ સૂચન કર્યું છે અને જેટલા પણ સુચનો આવશે તે વિદ્યાર્થી સમીક્ષા કેન્દ્ર દ્વારા તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવશે. આવનારા 4 વર્ષ દેશ અને ગુજરાત માટે ખૂબ જ ઉપયોગી છે. કોરોનાકાળ દરમિયાન શિક્ષણના ખૂબ જ મોટું નુકસાન થયું છે. ધોરણ 8 થી 10 માં આવી ફરિયાદ મળી છે.
ફરિયાદનો નિકાલ થશેઃ આવી રીતે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવા બાળકો આઇડેન્ટીફાય કરીને વ્યવસ્થિત પદ્ધતિ તેમને એજ્યુકેટ કરવાના પ્રયત્નો કરશે. સડેલું શિક્ષણ એટલે કે શબ્દ કદાચ સડેલો હોવો જોઈએ, જ્યાં તેમની નજર પડી. તેમને જે નાની-મોટીઓ ખામીઓ જોવા મળી હશે તેના કારણે આખા ગુજરાતનો ચિત્ર જોઈ શકાય નહીં.